૮૦ઃર૦ની સ્કીમનાં નવાં કામો બજેટના અભાવે ટલ્લે ચઢ્યાં

અમદાવાદ: કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ અમદાવાદનો સ્માર્ટ સિટી પ્રોજેકટમાં સમાવેશ થયા બાદ રાજય સરકાર હવે શહેરને ‘સ્માર્ટ સિટી’ બનાવવા આતુર બની છે. તાજેતરમાં રાજય સરકારે સ્માર્ટ સિટી માટે કોર્પોરેશનને રૂ.ર૯૪ કરોડની જંગી રકમ પણ ફાળવી છે, પરંતુ ‘સ્માર્ટ સિટી’ના ઢોલ-નગારામાં જાણ્યે-અજાણ્યે ૮૦ઃર૦ની જનભાગીદારીની લોકપ્રિય સ્કીમ ભુલાઇ ગઇ છે. ૮૦ઃર૦ની સ્કીમ હેઠળના નવા કામો બજેટના અભાવે ટલ્લે
ચઢ્યાં છે.
આમ તો ૮૦ઃર૦ની જનભાગીદારીની સ્કીમ સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા ગત ડિસેમ્બર-ર૦૧રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના આઠેક મહિના પહેલાં અમલમાં મુકાઇ હતી. આ સ્કીમ અંતગર્ત કોર્પોરેશન દ્વારા જનભાગીદારીથી ખાનગી સોસાયટીના આંતરિક રસ્તા, લાઇટ અને પાણીની પાઇપલાઇનના કામો હાથ ધરાય છે. આ સ્કીમમાં હવે ગટરના કામોનો પણ સમાવેશ કરાયો છે.
ખાનગી સોસાયટીમાં ઓછા ખર્ચે સારી માળખાકીય સુવિધા આપવાના આશયથી આરંભાયેલી ૮૦ઃર૦ની સ્કીમમાં રોડ, સ્ટ્રીટલાઇટ, પાણી-ગટરના કામમાં ર૦ ટકા ખર્ચ જે તે સોસાયટીએ ઉઠાવવાનો હોય છે. જ્યારે રાજય સરકાર ૭૦ ટકા ગ્રાન્ટ અને કોર્પોરેશન ૧૦ ટકા ગ્રાન્ટ આપીને જે તે કામનો ૮૦ ટકા ખર્ચ ભોગવે છે. જે તે કામના ૮૦ ટકા ખર્ચની રકમ રાજ્ય સરકાર અને કોર્પોરેશન ઉઠાવતું હોઇ આ સ્કીમને શહેરીજનોએ ઉમળકાભેર આવકારી છે.
જોકે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૬-૧૭માં ‘સ્માર્ટ સિટી’ પ્રોજેકટ તરફ સરકારનું જ વધારે ધ્યાન કે‌િન્દ્રત થવાથી ૮૦ઃર૦ની સ્કીમ માટે રાજ્ય સરકારે હજુ સુધી એક રૂપિયાની ગ્રાન્ટની રકમ ફાળવી નથી! આના બદલે ખુદ કોર્પોરેશનના જૂના કામો પેટે રાજ્ય સરકાર પાસે રૂ.પપ કરોડની રકમ લેણી નીકળે છે! નાણાં વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર્જવ શાહ કહે છે ‘અત્યારે બજેટના અભાવે ૮૦ઃર૦ની સ્કીમના નવા કામો હાથ પર લેવાતા નથી.’ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ કહે છે, ‘નવા કામોને ઝડપથી હાથ ધરવા હું પ્રયત્ન કરીશ.’
જો કે અત્યારે તો કોર્પોરેશનના તમામ છ ઝોનમાં નવી અરજીઓના ઢગલા થયા છે. જે તે ઝોનના ઇજનેર વિભાગ દ્વારા નવી અરજીઓના આધારે જે તે કામનો અંદાજ પણ તૈયાર કરાઇ રહ્યો છે.

You might also like