સબરીમાલા મંદિરની 800 વર્ષ જૂની પરંપરા તૂટી: 40 વર્ષની બે મહિલાએ પ્રવેશ કરી દર્શન કર્યાં

તિરુવનંતપુરમ: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરની ૮૦૦ વર્ષ જૂની પરંપરા તોડીને ૪૦ વર્ષની બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશીને ભગવાન અયપ્પાના દર્શન કરતા ઈતિહાસ રચાયો છે. તિરુવનંતપુરમની આ બે મહિલાઓ બિંદુ અને કનકદુર્ગાએ વહેલી સવારે મંદિરમાં ઘૂસીને ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે સબરીમાલા મંદિરમાં અગાઉ ૧૦ વર્ષથી પ૦ વર્ષની વયની તમામ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો. સુપ્રીમ કોર્ટે ર૮ સપ્ટેમ્બરે એક અગત્યના ચુકાદામાં આ પ્રતિબંધ હટાવીને તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની છૂટ આપી હતી.

આમ છતાં મંદિર પ્રશાસન દ્વારા સદીઓ જૂની પરંપરાને અનુસરીને આ પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો હતો. સુપ્રીમનો સ્પષ્ટ આદેશ હોવા છતાં પણ સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો અને મંદિરમાં પ્રવેશ કરવાની કોશિષ કરનારી મહિલાઓને બળજબરીથી રોકી લેવામાં આવી હતી.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર કોઝિકોડાઈ જિલ્લાના કોયિલેન્ડીની રહેવાસી અને સીપીઆઈ (એમએલ)ની કાર્યકર્તા બિંદુ (ઉમંર ૪ર વર્ષ) તથા મલપ્પુરમમાં આવેલા અંગાદિપુરમ ખાતે નાગરિક પુરવઠા વિભાગમાં કામ કરતી કનકદુર્ગા (ઉંમર ૪૪)એ અડધી રાતે સબરીમાલા મંદિરની સીડીઓ ચડવાની શરૂઆત કરી હતી. વહેલી સવારે લગભગ ૩.૪પ વાગ્યે બંને મહિલા મંદિરમાં પ્રવેશી હતી અને ભગવાન અયપ્પાના દર્શન કરીને પરત ફરી હતી.

પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે આ બંને મહિલાઓએ કેરળ પોલીસની મદદથી જ મંદિરમાં પ્રવેશ મેળવ્યો હતો. પોલીસ યુનિફોર્મ અને સાદા ડ્રેસમાં તેમની સુરક્ષા માટે સતત સાથે તહેનાત હતા. સમાચાર એજન્સીએ જારી કરેલો આ મહિલાઓનો વીડિયો ત્યારબાદ સોશિયલ મીડિયામાં પણ ખુબ વાઈરલ થયો છે.

આ બંને મહિલા બિંદુ અને કનકદુર્ગાએ આ અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની કોશિષ કરી હતી, પરંતુ એ વખતે ભગવાન અયપ્પાના ભક્તોએ તેમને રોકી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશ આપવાના કેસની સુનાવણી માટે પાંચ જજની બેન્ચ બનાવવામાં આવી હતી. તેમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જ‌િસ્ટસ નરીમાન, જસ્ટિસ વાય.એસ. ચંદ્રચુડ, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર ઉપરાંત એક મહિલા જજ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા પણ સામેલ હતા.

ચુકાદો ૪-૧થી આપવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે કોઈ પણ વયની મહિલાને મંદિરમાં પ્રવેશ કરતી રોકી શકાય નહીં. બેન્ચમાં સામેલ એકમાત્ર મહિલા જજ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવાનો વિરોધ કર્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે આ ભગવાન અયપ્પાના ભક્તોની આસ્થા સાથો જોડાયેલી પરંપરા છે અને તેમાં કોર્ટે દખલગીરી કરવી જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો ભગવાન અયપ્પાના ભક્તો અને મંદિરના ટ્રસ્ટે ભારે વિરોધ કર્યો હતો. તેમનો દાવો હતો કે, સુપ્રીમનો આ ચુકાદો તેમની ૮૦૦ વર્ષથી ચાલી આવતી ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા વિરોધી છે. પરંપરા અનુસાર એવી માન્યતા છે કે, ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા અને આથી માસિકધર્મમાં આવતી મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવો જોઈએ નહીં.

You might also like