૮૦૦ વર્ષ જૂના મોબાઈલ ફોનનું નગ્ન સત્ય!

થોડા વખત અગાઉ એક રોમાંચક સમાચાર ફોટો સાથે પ્રસિદ્ધ થયા હતા. તેમાં એક દાયકા જૂના નોકિયાના મોબાઈલ ફોનને મળતા આવતા સાધનનો ફોટો હતો. સાથે સમાચાર હતા, ૮૦૦ વર્ષ જૂનો મોબાઈલ ફોન મળી આવ્યોઃ ઓસ્ટ્રિયામાં પુરાતત્ત્વવિદોને ખોદકામ દરમિયાન એક એવું સાધન મળી આવ્યું હતું જે આજે વપરાતા વાયરલેસ સાધનને તદ્દન મળતું આવતું હતું.

આ વસ્તુ ૧૩મી સદીની જણાઈ હતી. એ સમયે સુમેરિયન લિપિ ‘કુનિફોર્મ’ શોધાઈ હતી અને એક હજાર વર્ષ સુધી ચલણમાં રહી હતી. ફોન જેવા આ સાધનમાં એ જ લિપિનું લખાણ જોવા મળે છે. શું આ ઊડતી રકાબીમાં આવેલા એલિયનોનો સદીઓ જૂનો ફોન હશે!

આ સમાચાર સૌપ્રથમ ૨૧ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ કોન્સપરસી ક્લબ નામની વેબસાઈટ પર ઝળક્યા અને પછી અન્ય વેબસાઈટ્સે પણ તે ચમકાવ્યા હતા. જર્મન શિલ્પકાર કાર્લ વિન્ગાર્ટનરના ધ્યાનમાં આ ન્યૂઝ આવતાં એ ખીજાઈ ગયો અને ખુલાસો કર્યો કે મારી પરવાનગી વિના મારા શિલ્પના ફોટોગ્રાફનો આવો દુરુપયોગ નહીં ચાલે.

મેં ચિનાઈ માટીમાંથી આ શિલ્પ બનાવ્યું હતું અને તેને પુરાતત્ત્વીય દેખાવ આપવા માટે તેની ઉપર સુમેરિયન કુનિફોર્મના આંકડા કોતર્યા હતા. પછી આવાં શિલ્પ ઓનલાઈન વેચવા માટે ફેસબુક પર ‘બેબીનોકિયા’ના નામે જાહેરાત મૂકી હતી. જાહેરખબર સાથે આ શિલ્પનો ફોટોગ્રાફ પણ મૂક્યો હતો.

મારા ફોટોનો આવો દુરુપયોગ! હું તો એલિયન ફેલિયનમાં કે ઊડતી રકાબીમાં માનતો જ નથી. આ કૃત્ય કરનાર સામે હું કોપીરાઈટ કાયદા હેઠળ પગલાં ભરીશ.

You might also like