જમ્મુ-કાશ્મીરનાં ૮૦ મંદિર ક્યાં ગાયબ થઈ ગયાં?- બીજેડી સાંસદ

નવી દિલ્હી: બિજુ જનતા દળ (બીજેડી)ના સાંસદે જમ્મુ અને કાશ્મીરમાં ઝડપથી ગાયબ થઈ રહેલાં મંદિરોનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો અને સરકાર પાસે આ અંગે જવાબ માગ્યો હતો. બીજેડીના સાંસદે લોકસભામાં પૂછ્યું હતું કે ૨૦૦૯થી અત્યાર સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં ૮૦થી વધુ મંદિરો ધરાશયી કરવામાં આવ્યાં છે. તેમણે એવું પણ પૂછ્યું હતું કે સરકારે આવા અલગતાવાદી નેતાઓને સુરક્ષા કેમ ઉપલબ્ધ કરી છે કે જેઓ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે.

ભાજપના નિશિકાંત દુબે દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર બોલતાં બીજેડીના મહતાબે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી યાદી અનુસાર કાશ્મીરમાં ૮૦ મંદિરો ગાયબ થઈ ગયાં છે. તેમણે જણાવ્યું હતું ૧૯૮૯માં કાશ્મીરી પંડિતો વિરુદ્ધ શરૂ કરવામાં આ‍વેલા અભિયાન અને ત્રાસવાદીઓના ડરથી લગભગ ૩.,૫ લાખ હિંદુઓ કાશ્મીર ખીણ છોડીને ચાલ્યા ગયા હતા.

મહતાબે જણાવ્યું હતું કે ગૃહસચિવ દ્વારા ૨૦૦૯માં સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આપવામાં આવેલી યાદી અનુસાર ૧૯૮૯ પહેલાં કાશ્મીરમાં ૪૩૬ મંદિરો હતાં. તેમણે પૂછ્યું હતું કે ૨૬૬ મંદિર સહીસલામત હતાં અને ૧૭૦ મંદિર નુકસાન પામેલાં હતાં. ત્યાર બાદ ૯૦ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો તો પછી બાકીનાં ૮૦ મંદિર ક્યાં ગાયબ થઈ ગયાં?

મહતાબે જણાવ્યું હતું કે હું આ બાબતે સરકારનો જવાબ સાંભળવા માગું છું, કારણ કે મને લાગે છે કે આ સરકાર સંસદમાં રજૂ કરાતા પ્રશ્નોનો જવાબ આપે છે. મહતાબે ગૃહ મંત્રાલયને એ પણ પૂછ્યું છે કે અલગતાવાદી નેતાઓની સુરક્ષા પર સરકાર કાશ્મીરમાં કેટલો પૈસો ખર્ચે છે?

You might also like