કોંગ્રેસના ૮૦ ટકા ઉમેદવારો પહેલી વખત ચૂંટણી જંગમાં ઊતર્યા

અમદાવાદ: ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદના પ્રતિષ્ઠાભર્યા કોર્પોરેશનના ચૂંટણી જંગમાં હાલના શાસક ભાજપને પરાજિત કરવા મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે નવી તાજગીભર રણનીતિ અપનાવી છે. કોર્પોરેશનની તમામે તમામ ૧૯૨ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડવાના છે, પરંતુ આ ઉમેદવારો પૈકી ૧૫૦ જેટલા તદ્દન નવા ચહેરાઓ છે.

કોંગ્રેસ નેતૃત્વએ પ્રારંભથી જ ઉમેદવારોની પસંદગીમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાઓને પ્રાધાન્ય આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસમાં ત્રણ મહિના સુધી ત્રિસ્તરીય પદ્ધતિથી ઉમેદવારો નક્કી કરવાની કવાયત ચાલી, તેમાં પણ આ બાબત પર ખાસ ભાર મુકાયો હતો. પ્રજામાં એન્ટી ઈન્કમબન્સી, પાટીદાર આંદોલન જેવાં પરિબળોથી કોંગ્રેસની છાવણીમાં શરૂઆતથી ઉત્સાહ હતો એટલે સ્વાભાવિકપણે દાવેદારોનો ધસારો પણ હતો.

જેમાં સિનિયર કોર્પોરેટરો, ચાલુ કોર્પોરેટરો, જૂના જોગીઓ વગેરે પણ ટિકિટ ઈચ્છુકો હતા. તેમ છતાં કોગ્રેસ નેતૃત્વએ કુલ ૩૮ ચાલુ કોર્પોરેટરો પૈકી અડધોઅડધથી વધુ કોર્પોરેટરોને ઘરે બેસાડી દીધા. જેમાં સિનિયર કોર્પોરેટરોનો પણ સમાવેશ થાય છે. ૨૦૦૫ની ચૂંટણી કે તેની અગાઉની ચૂંટણી લડનારા અનુભવીઓ કે જૂના જોગીઓને પણ બોલાવી-બોલાવીને રાતોરાત ઉમેદવાર બનાવ્યા નહીં. પરંતુ કોંગ્રેસે ચૂંટણીનો બિલકુલ અનુભવ ન ધરાવતા સાવેસાવ નવા જ ચહેરાઓને કોંગ્રેસની ટિકિટ આપીને તેમના પર દાવ ખેલ્યો છે. નવા ચહેરાઓને ચૂંટણી જંગના મેદાનમાં ઉતારવાની કોંગ્રેસની રણનીતિ એટલી હદે રસપ્રદ છે કે ૮૦ ટકા ઉમેદવારોનાં નામ પહેલી વખત ઈવીએમ મશીનમાં ચકાસવાનાં છે એટલે કે ૨૨ નવેમ્બરે કોંગ્રેસ ફ્રેશ-ફ્રેશ ઈમેજ સાથે ચૂંટણી લડશે.

ભાજપે બિલકુલ વિપરીત ‘સ્ટ્રેટેજી’ અપનાવીને જૂના જોગીઓને વધારે મહત્ત્વ આપ્યું છે. અગાઉ ચૂંટણી લડી ચૂકેલા જૂના જોગીઓને ભાજપ હાઈકમાન્ડે ‘કસાયેલા કાર્યકરો’ તરીકેનું માન આપીને ફરીથી ટિકિટ આપી છે. જોકે શહેરના ૩૮.૮૩ લાખ સમજુ અને શાણા મતદારો છેવટે ભાજપ-કોંગ્રેસની સ્ટ્રેટેજીને પોતાના મતાધિકારોનો ઉપયોગ કરતી વખતે પસંદ કે નાપસંદ કરશે.

You might also like