રાજસ્થાન બાેર્ડરના ૮૦ લોકો ISIના સંપર્કમાં હોવાની શંકા

જયપુર: પોખરણમાં આઈઅેસઆઈ માટે જાસૂસી કરવાના આરોપમાં પટવારીની ધરપકડ બાદ ગુપ્તચર અેજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અેજન્સીઓઅે દાવો કર્યો છે કે રાજસ્થાનની સરહદ નજીક રહેતા લગભગ ૮૦ લોકો આઈઅેસઆઈના સંપર્કમાં છે.

અેજન્સીઅોઅે વધુમાં જણાવ્યું છે કે આઈઅેસઆઈના સંપર્કમાં રહેલા લોકો બિકાનેર, જેસલમેર, બાડમેર અને શ્રી ગંગાનગરના રહીશ છે. તેમાંથી ૧૫ જેટલા લોકો નિવૃત્ત સૈનિકો હોવાનું જણાવવામાં આવી રહયું છે. જોકે આ અંગે આઈબી પાસે આ તમામ લોકો પર જાસૂસી કરવાના ચોકકસ પુરાવા નથી. અને તેથી તે અંગે કાર્યવાહી થઈ શકતી નથી. ગત ત્રણ વર્ષમાં અેટીઅેસ અને પોલીસે આઈબીની સૂચનાથી ચાર નિવૃત્ત સૈનિકોની સેનાની જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. તાજેતરમાં જ જેસલમેરમાં થયેલી ધરપકડ બાદ ચાર જિલ્લાના ૮૦ લાેકો આઈબીના રડારમાં આવી ગયા છે. અને આઈબી આ તમામ જાસૂસની હિલચાલ પર નજર રાખી રહયા છે. અેવું જણાવાઈ રહ્યું છે કે આ સરહદી વિસ્તારો, તાલીમ કેન્દ્ર, અને પરીક્ષણ કેન્દ્ર પર સેનાની હિલચાલ અંગેની માહિતી પાકિસ્તાનની ગુપ્તચર અેજન્સીને આપવામાં આવી રહી છે.

દરમિયાન અેટીઅેસની તપાસમાં બહાર આવ્યું છે કે આરાેપી પટવારી ગોરધનસિંહ રાઠોડે છેલ્લાં અઢી વર્ષમાં અેક પણ રજા લીધી નથી. તે દરરોજ કાર્યાલય પર આવતાે હતાે. અને પરમાણુ પરીક્ષણ કેન્દ્ર આસપાસ આંટાફેરા મારતો હતો. તેથી આઈઅેસઆઈને માહિતી આપી પહોંચાડી શકાય.

You might also like