૩૧ મે પહેલાં ખારીકટ કેનાલ પર ૮૦ સીસીટીવી કેમેરા લગાવાશે

અમદાવાદ: ૧ મે ગુજરાત સ્થાપના દિવસથી રાજ્ય સરકારના સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાન ર૦૧૮ હેઠળ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા એશિયાની સૌથી મોટી ડસ્ટબીન ખારીકટ કેનાલમાંથી ગંદકી ઉલેચવાનો પ્રારંભ કરાયો છે. આગામી તા.૩૧ મે પહેલાં ખારીકટ કેનાલને અત્યાધુનિક ૮૦ સીસી ટીવી કેમેરાથી સુસજ્જ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

ગઇ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઇલા પટેલ સહિતના સભ્યોએ ખારીકટ કેનાલને ફરીથી ડસ્ટબીનમાં ફેરવાતી અટકાવવા માટે કમિશનર મૂકેશકુમાર સમક્ષ કડક સિકયોરિટીની વ્યવસ્થા ગોઠવવાની માગણી કરી હતી. જોકે તેની સાથે કમિશનર મૂકેશકુમાર સંમત થયા ન હતા.

તેમણે જણાવ્યું હતું કે ર૧ કિ.મી. લાંબી કેનાલ હોઇ સિકયોરિટી વ્યવસ્થાની માગણી તર્ક સંગત નથી. ત્યાર બાદ સીસીટીવી કેમેરા સિસ્ટમ ગોઠવવાની માગણી કરાતાં તત્કાળ કમિશનરે તેમાં સંમતિનો સૂર પુરાવ્યો હતો.

ખારીકટ કેનાલમાં કોમ્યુનિટી હોલ કે આસપાસની સોસાયટીનો એઠવાડ સહિતનો કચરો કે ફેકટરીનું કેમિકલયુકત પાણી ઠલવાઇને તેને ડસ્ટબીનમાં ફેરવાતી અટકાવવા તંત્ર સીસીટીવી કેમેરાની સિસ્ટમ બેસાડવા આશરે રૂ.૬પ લાખ ખર્ચશે.

સત્તાવાળાઓએ હાથ ધરેલા સર્વે મુજબ સમગ્ર કેનાલ પર વીસ જેટલાં નાળાં પરના બ્રિજ છે. આ તમામ બ્રિજ પર ચાર ચાર સીસીટીવી કેમેરા મુકાશે. પ્રતિ સીસીટીવી કેમેરા પાછળ રૂ.પ૦,૦૦૦ ખર્ચાશે અને તે પ૦૦ મીટરની રેન્જ ધરાવીને તેમાં ૩૦ દિવસનું ફીડિંગ જમા રાખી શકાશે. સીસીટીવી કેમરા ઊભા કરવા માટેના થાંભલા વગેરેની કામગીરીને ધ્યાનમાં રાખીને આગામી તા.૩૧મે સુધીમાં સીસીટીવી સિસ્ટમથી ખારીકટ કેનાલને સુસજ્જ કરવાનાે દાવો તંત્ર દ્વારા કરાયો છે.

You might also like