માર્ગ અકસ્માતમાં આઠનાં મોતઃ આઠ ગંભીર

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં આઠ વ્યકિતના મોત થયા હતા. જ્યારે આઠ વ્યકિત ગંભીરપણે ઘવાતા તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત મા‌હિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે ઉમરેઠ-પરવટા રોડ પર દામોદરિયા વડ પાસે મોડી સાંજે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલી કારે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષામાં બેઠેલ આણંદના મલેક પરિવારની બે વ્યકિતના મોત થયા હતા. જ્યારે ચારને ગંભીર ઇજા પહોંચી હતી.

જ્યારે મહુવા નજીક ભાદરોડ-સથરા રોડ પર રેતી ભરેલ ટ્રેકટર પલટી ખાઇ જતાં મહુવાના બે મજૂર હિંમત બાબુભાઇ અને માવજી નાનજીનું રેતી નીચે દબાઇ જતાં મોત થયું હતું તથા દ્વારકા-ખંભાળિયા રોડ પર મોવાણા ગામના પાટીયા નજીક બાઇક પર પસાર થઇ રહેલા બે વૃદ્ધને અકસ્માત નડતાં અલીભાઇ જુસબભાઇ અને મેઘાભાઇ કરસનભાઇ નામના આ બે વૃદ્ધના મોત થયા હતા. આ ઉપરાંત ખેડબ્રહ્માના ચાડા નજીક કાર પલટી ખાઇ જતાં નડીઆદની યુવતી રિદ્ધિબહેન પટેલનું મોત થયું હતું.

જ્યારે બે વ્યકિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. નડીઆદ-ડભાણ રોડ પર મિશન હોસ્પિટલ પાસેથી બાઇક પર પસાર થઇ રહેલ રાહુલ સોની નામના ર૦ વર્ષીય યુવાને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું તેમજ સુરતમાં સરથાણા પોલીસ ચોકી નજીકથી પસાર થઇ રહેલ એક સ્કૂટરચાલક પર ટ્રક ફરી વળતાં સ્કૂટરચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like