સ્વજનોની પીડાનો અનુભવ જ ખરો પ્રેમ છે…

બંનેને બાંધી રાખનારી કડી પરસ્પરની ચાહત હોય છે

  • ભૂપત વડોદરિયા

એક પ્રૌઢનાં પત્ની વરસોથી બીમાર રહેતાં હતાં. બધો સમય પથારીમાં જ પડ્યાં રહે. કોઈ બે જણ તેમને ઊભાં કરે તો પણ કશા આધાર વગર તેઓ ઊભાં ન રહી શકે. બંને પગમાં જાણે ચેતન જ ન હતું. એમને બાથરૂમમાં જવું હોય તો તેમના પતિ કે અગર બીજી કોઈ વ્યક્તિને ટેકો આપવો પડે અને એમની સાથે રહેવું પડે. એ ગૃહસ્થના કોઈ ને કોઈ શુભેચ્છક લોકોએ કહ્યું કે સંસારની ગાડી બે પૈડાં પર ચાલે છે, પણ એક પૈડું હોય જ નહીં તો એવી ગાડી કઈ રીતે ચાલે? તમે પત્નીની દરેક તબીબી સારવાર કરાવી, પણ તમારી પત્નીની તબિયતમાં કોઈ ફેર પડ્યો નથી. તમારે પત્ની છે અને છતાં જાણે નથી. તો આવા સંજોગોમાં તેને કોઈ અપંગાશ્રમમાં મૂકી આવવાનું વધુ સલાહભર્યું નથી? અમને એમ પણ જાણવા મળ્યું છે કે તમારી અપંગ પત્નીની માસીની એક દીકરી તમારે ત્યાં રહેવા આવવા તૈયાર છે. પણ એ એવું કહે છે કે મારી સાથે વિધિસર લગ્ન કરી લો તો જ હું તેમને ત્યાં રાતદિવસ રહી શકું. તમને નથી લાગતું કે આ અમલમાં મૂકી શકાય એવો ઉકેલ છે?

પેલા ગૃહસ્થે કહ્યું, ‘આવા વહેવારુ ઉકેલ તો અનેક હોય છે. પણ મને મનોમન પ્રશ્ન થાય છે કે લગ્ન બે વ્યક્તિનો અને બે આત્માનો સંબંધ છે કે માત્ર બે દેહનો?’ પેલા ભાઈએ કહ્યું, ‘માઠું ન લગાડશો. તમે જેને આત્માનો સંબંધ કહો છો તેમાં તમને શું સુખ મળ્યું?’ ગૃહસ્થે કહ્યું, ‘જો આપણે લગ્નમાં માત્ર સુખ જ શોધતા હોઈએ તો સાચા અર્થમાં એ લગ્ન નથી. મારો એક મિત્ર કાચની પૂતળી જેવી રૂપાળી યુવતીને પરણ્યો અને પછી થોડાક મહિનાઓમાં જ એ રૂપવતી પત્ની આરસના નિર્જીવ પૂતળા જેવી બની ગઈ. ઘણા બધાએ સલાહ આપી કે તમે તેના ભરણપોષણની યોગ્ય જોગવાઈ કરીને એનો ત્યાગ કરો. ગૃહસ્થે કહ્યું – ‘એ મિત્રએ જે જવાબ આપ્યો તે સાંભળો. લગ્ન એ તો માત્ર ભરણપોષણની વ્યવસ્થા છે? સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેકને ભરણપોષણ તો જોઈએ જ પણ માત્ર શરીરની ભૂખ એ જ બધું નથી! કોઈ પણ વ્યક્તિને સજા કરતાં પણ જીવનસાથીના પ્રેમની વધુ જરૂર હોય છે. કોઈ પણ લગ્નમાં સ્ત્રી કે પુરુષની સૌથી પહેલી જરૂરિયાત પરસ્પરનો પ્રેમ છે. કોઈ પણ લગ્નમાં સુખદુઃખ ગમે તેવા સંજોગોમાં બંનેને બાંધી રાખનારી કડી પરસ્પરની ચાહત હોય છે. આપણે બીમાર પત્નીની વાત બાજુએ રાખીએ અને આવી જ સ્થિતિમાં મુકાયેલા બાળકનો વિચાર કરીએ.

હું એક એવી વ્યક્તિને ઓળખું છું જેનો બાર વર્ષનો પુત્ર ચાલી શકતો નથી. સ્પષ્ટ બોલી પણ શકતો નથી અને તેની ઘણી બધી તબીબી સારવાર થઈ પણ કશો ફરક પડ્યો નહીં. ઘણા બધાએ કહ્યું કે અપંગ બાળકોને રાખનારી કોઈ સંસ્થા હોય તો તેને ત્યાં મૂકી દો. કચવાતે મને બાળકને ત્યાં મૂકી પણ આવ્યા. બાળકને મૂકીને આંસુભરી આંખે ઘેર પાછા ફર્યા. મનમાં સંતાપનો કોઈ પાર ન હતો. જાણે બેભાન થઈ ગયા હોય તેમ ઊંઘી ગયા. ત્રણ કલાક પછી ઓચિંતી આંખ ખૂલી તો એમનો એ પુત્ર કોણ જાણે કઈ રીતે કોઈનો ટેકો લઈને પોતાને ઘેર પાછો આવી ગયો હતો. બાળકે લાચારીપૂર્વકની ચેષ્ટા કરીને કહ્યું કે એને કશું જમવું પણ નથી, એને કશું જોઈતું પણ નથી. કોઈ ગૂઢ ભાષામાં એ એમ કહેવા માગતો હતો કે મા-બાપ તો વૃક્ષની સમાન છે. હારેલું-થાકેલું બાળક એના છાંયડામાં આશ્રય ના શોધે તો બીજે ક્યાં જાય?

એટલે ગૃહસ્થે કહ્યું – ‘અપંગ અને નિર્બળ બાળકો પણ છેવટે મા-બાપનાં અંગ જ હોય છે.

કોઈ કોઈ વાર પીડા કરતું અંગ કાપી કે કપાવી નાંખવાનું મન થાય પણ એ અંગો કાપી નાખવાથી પીડા બંધ થઈ જતી નથી. કદાચ પીડા તો વધે જ છે. એક વાત મને સમજાય છે કે પતિ-પત્નીનાં અંગ જેવાં બાળકો સાથે પ્રેમનો સંબંધ કહીએ કે પછી એટલું સમજીએ કે પ્રેમ એ જ પીડા છે. પ્રેમમાં પણ અતૂટ કડી તો પીડાની જ છે. એટલે કોઈ પણ મા-બાપને ભગવાન તંદુરસ્ત અને રૂપાળાં બાળકો આપે તો પણ હરખાઈ જવા જેવું હોતું નથી, કારણ કે જિંદગીના પંથ પર તમે જેની સાથે ચાલી રહ્યા છો એ કોઈ પણ અકસ્માતનો ભોગ બને તો તમે જ તેમાં પૂરેપૂરા સામેલ છો. ભગવાને માણસોને બે અલગ અલગ દેહ આપ્યા છે પણ તાર વગરના જોડાણ જેવું બંધન એ જ તો પ્રેમ છે અને એ જ તો પીડા છે.

—————–.

You might also like