ચીનમાં ભૂકંપના જોરદાર આંચકાઃ આઠનાં મોત, ૨૦થી વધુ ઘાયલ

બીજિંગ: ચીનના પશ્ચિમી ક્ષેત્ર શિજિયાંગમાં આજે આવેલા ૫.૫ની તીવ્રતાના ભૂકંપમાં આઠ લોકોનાં મોત થયાં છે અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે સવારે ૫.૫૮ કલાકે જ્યારે લોકો મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે એકાએક આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકો સફાળા ઊંઘમાંથી જાગી ગયા હતા અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.
વહેલી સવારે આવેલા તીવ્ર ભૂકંપના કારણે લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનું એપી સેન્ટર પઠારના દક્ષિણ-પૂર્વ ભાગમાં ૮ કિમીની ઊંડાઈએ આવેલું છે. ભૂકંપના સમાચાર મળતાં સરકારી અને પોલીસ અધિકારીઓ રાહત અને બચાવ માટે ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને પુરજોશમાં રાહત-બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે ભૂકંપનો એક મોટો આંચકો આવ્યા બાદ અનેક આફ્ટર શોક આવ્યા હતા. હાલ રાહત અને બચાવ ટુકડી દ્વારા શોધખોળ અભિયાન જારી છે. ભૂકંપના કારણે અનેક ઈમારતોમાં તિરાડો પડી ગઈ હતી અને કેટલાંક મકાનો ધરાશાયી થયાં હતાં. કેટલાક લોકો હજુ પણ કાટમાળમાં દબાયેલા હોઈ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like