કાશ્મીરમાં પરિસ્થિતી તંગ 11નાં મોત : અમરનાથ યાત્રા અટકાવાઇ

શ્રીનગર : હિઝબુલ મુઝાહિદ્દીનનાં પોસ્ટર બોય બુરહાન વાનીને ઠાર કરી દેવામાં આવ્યા બાદ વિરોધનાં પગલે ખીણમાં ભડકેલી હિંસામાં અગિયાર લોકોનાં મોત નિપજ્યા છે. પ્રદર્શનકર્તાઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલા ધર્ષણમાં અત્યાર સુધી 50 લોકો ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીરની પોલીસે જણાવ્યું કે આ ધર્ષણમાં સુરક્ષાદળનાં 96 જવાનો પણ ઘાયલ થયા છે. હિંસક ભીડે પાંચ ભવનોમાં આગ લગાવી દીધી છે. જેમાં ત્રણ પોલીસ પ્રતિષ્ઠાનનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત કેટલીય ગાડીઓને સળગાવી દેવામાં આવી હતી.

જમ્મુ અને કાશ્મીરની પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકર્તાઓ પર કાર્યવાહી કરવામાં સંયમ રખાઇ રહ્યો છે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને ઘ્યાનમાં રાખીને રવિવારે યોજાનારી નેટ પરિક્ષાને પણ હાલ પુરતી સ્થગીત કરી દેવામાં આવી છે. કાશ્મીરનાં કેટલાય હિસ્સાઓમાં કરફ્યું જેવી પરિસ્થિતી છે. ઇન્ટરનેટ સેવા અટકાવી દેવાઇ છે. સંવેદનશીલતાને જોતા જમ્મુ કાશ્મીર આધાર શિબિર ખાતે જ અમરનાથ યાત્રા અટકાવી દેવાઇ છે. ખીણમાંથી શનિવારે કોઇ યાત્રીને આગળ જવા દેવાયા નહોતા.

ત્રાલમાં બુરહાનનાં અંતિમ સંસ્કાર માં હજારો લોકો એકત્ર થયા છે જ્યાં ઉતરી કાશ્મીરનાં ખાદીનયાર થી દક્ષિણનાં કુલગામ સુધી હિંસક પ્રદર્શન થયાનાં સમાચાર છે. પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં વેરીનાગ ક્ષેત્રમાં સુરક્ષાદળો દ્વારા પ્રદર્શનકારીઓ પર કથિત રીતે ગોળીબારનાં કારણે 25 વર્ષીય યુવક આમિર બશીરનું મોત થયું હતું.

યુવકને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ રસ્તામાં જ તેું મોત નિપજ્યું હતું. એક અન્ય યુવકની શુક્રવારે મોડી રાત્રે કૈમોહ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. અનંતનાગ જિલ્લાની એક હોસ્પિટલનાં ડોક્ટરે જણાવ્યું કે જુબૈર અહેમદની છાતીમાં ગોળીઓ મરાઇ હતી.

પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે 16 વર્ષીય સાકિબ મંજુરને એસએમએચએસ હોસ્પિટલની હોસ્પિટલમાં ત્યારે મૃત જાહેર કરવામાં આવ્યો જ્યારે કેટલાક યુવકો તેને ગંભીર પરિસ્થિતીમાં હોસ્પિટલ ખાતે લઇને પહોંચ્યા હતા. તે ગોળીઓથી ગંભીર રીતે ઘાયલ હતો.

You might also like