દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી હતી. અમદાવાદમાં માત્ર એક કલાકમાં જ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભારે વાવાઝોડાને પગલે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયાં હોવાંની ઘટના અને કેટલાંય ઝૂપડાઓ ધ્વસ્ત થયાં હોવાનાં કિસ્સાઓ પણ સામે આવ્યાં છે.

બીજી તરફ, ભારે વરસાદ અને વાવાઝોડાનાં પગલે ઠેર-ઠેર ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતાં. અનેક વિસ્તારો માત્ર એક કલાકનાં ઝાપટામાં જ પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. જો કે, હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઘણાં લાંબા સમયનાં વિરામ બાદ વરસાદે શનિવારનાં રોજ ગઇ કાલે ગુજરાતમાં ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શનિવારનાં રોજ સાંજે ભારે પવન સાથે વરસાદ મન મૂકીને વરસ્યો હતો. જેને કારણે ધરતીપુત્રોમાં એક અનેરો જ આનંદ જોવા મળ્યો હતો.

વરસાદ જોઇએ તો દાહોદમાં 2 ઇંચ જેટલો પડ્યો. તેમજ ઉત્તર ગુજરાતનાં અંબાજી, વડનગર, અરવલ્લી જિલ્લામાં અને અમદાવાદ શહેર જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ઘણાં બધાં વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયાં હતાં.

મહત્વનું છે કે રાજ્યભરમાં છેલ્લાં બે દિવસથી ભારે ઊકળાટ હતો. ત્યારે એકાએક ગઇ કાલનાં શનિવારનાં રોજ વાતાવરણમાં પલટો આવતાં મોડી સાંજે અમદાવાદ સહિત ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદે માઝા મૂકી હતી. જો કે ભારે ગાજવીજ અને પવન સાથે આવેલાં અચાનક વરસાદને લઇ જનજીવન પણ અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

મહત્વનું છે કે કેટલાંક વિસ્તારોમાં તો આટલાં વરસાદથી ચારે બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. ગુજરાતમાં અચાનક પલટાયેલાં હવામાનને લઇ પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા, તાપી સહિતનાં અનેક જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

You might also like