સાતમા પગારપંચ પ્રમાણે ભથ્થાં અપાશે તો મોંઘવારી વધશેઃ RBI

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (આરબીઆઈ) નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની પ્રથમ નાણાનીતિ રજૂ કરતાં જણાવ્યું છે કે સાતમા પગાર પંચ દ્વારા સૂચિત ૮-૨૪ ટકા હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ) આપવામાં આવશે તો મોંઘવારી માઝા મૂકશે અને તેની અસર કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (મોંઘવારી) પર પડશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર તેની સીધી અને તત્કાળ અસર હાઉસિંગ સેક્ટરમાં પણ જોવા મળશે.

સાતમા પગાર પંચ દ્વારા સૂચિત દરો પર ભથ્થાંઓ ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી માન્ય કર્યા બાદ મોટા ભાગનાં રાજ્યો પણ પોતાના કર્મચારીઓને આ દરે ભથ્થા ચૂકવવાનું શરૂ કરશે અને તેના કારણે નાણાકીય વર્ષ દરમિયાન મોંઘવારી એકથી દોઢ ટકો વધી જશે.

આરબીઆઈનું માનવું છે કે કર્મચારીઓનાં એચઆરએમાં વધારો થવાથી મોંઘવારીની અસર અર્થતંત્ર પણ દોઢ થી બે વર્ષ સુધી જોવા મળશે. આ ઉપરાંત ભથ્થાંનો અમલ થયા બાદ પ્રથમ ત્રણ ચાર ક્વાર્ટર દરમિયાન મોંઘવારી સર્વોચ્ચ સ્તરે રહેશે.

સાતમા પગાર પંચની ભલામણોનો અમલ થઈ ચૂક્યો છે. જોકે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ભથ્થાના મામલામાં હજુ પણ મોદી સરકારના નિર્ણયની પ્રતીક્ષા છે. કર્મચારીઓનાં ભથ્થાંમાં વધારો કરવા માટે મોદી સરકારે રચેલી લવાસા કમિટી દ્વારા રિપોર્ટ સુપરત કરવાની ૨૨મી ફેબ્રુઆરીની ડેડલાઈન પણ પૂરી થઈ ગઈ છે.
http://sambhaavnews.com/

You might also like