79 વર્ષનાં રિટાયર્ડ પ્રોફેસરે આખી જિંદગીમાં ક્યારેય કર્યો નથી વીજળીનો ઉપયોગ

પુણેઃ દેશમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, પરંતુ પુણેમાં રહેતાં ૭૯ વર્ષનાં ડો. હેમા સાને તેની ઉપલબ્ધતા હોવા છતાં પણ વીજળીનો ઉપયોગ કરતાં નથી. તેઓ જે ઘરમાં રહે છે ત્યાં આજ સુધી વીજળીનું કનેક્શન લેવાયું નથી. તેણે નિર્ણય લીધો છે કે આગળ પણ તે વીજળી વગર જિંદગી વીતાવશે.

ડો. હેમાએ વીજળીનો ઉપયોગ ન કરવા પાછળનું કારણ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે પોતાનો પ્રેમ ગણાવ્યો. ડો. હેમાના જણાવ્યા મુજબ મેં મારી આખી જિંદગીમાં ક્યારેય વીજળીની જરૂરિયાત અનુભવી નથી. લોકો પૂછે છે કે તમે વીજળી વગર કેવી રીતે રહો છો? તો હું તેમને પૂછું છું કે તમે વીજળી સાથે કેવી રીતે રહો છો? ડો. હેમાએ કહ્યું કે ખાવાનું, ઘર અને કપડાં જિંદગી જીવવાની પાયાની જરૂરિયાત છે, વીજળી નહીં.

કોઇએ તેમને પૂછ્યું કે તમે આ ઘર કેમ વેચતાં નથી? તમને ઘણા પૈસા મળશે. તે કહે છે કે આ ઝાડ અને પક્ષીઓની દેખરેખ પણ કરશે. ડો. હેમા કહે છે કે લોકો મને મૂર્ખ કહે છે, પરંતુ આ મારી જિંદગી જીવવાની રીત છે. હું જેમ ઇચ્છું તેમ રહી શકું છું. ડો. હેમા સાનેએ સાવિત્રીબાઇ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી વનસ્પતિ વિજ્ઞાનમાં પીએચડી કરી છે.

ઘણાં વર્ષ સુધી તેઓ કોલેજમાં પ્રોફેસર રહ્યાં છે. તેમણે વનસ્પતિ વિજ્ઞાન અને પર્યાવરણ પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. આજે પણ તેઓ ઘરમાં એકલાં હોય ત્યારે પુસ્તક લખતાં રહે છે. તેઓ એક નાનકડી ઝૂંપડીમાં રહે છે. તેમની સવાર પક્ષીઓના અવાજથી શરૂ થાય છે અને ઘરની રોશની આપનાર ચમકદાર લેમ્પ સાથે પૂરી થાય છે.

You might also like