17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ રોજગાર ઊભા થયા છે. એકલા જાન્યુઆરીમાં જ નવ લાખ રોજગારનું સર્જન થયું હોવાનું આ ડેટા પરથી બહાર આવ્યું છે. આમ રોજગારમાં ૧૩૧ ટકાના વધારા સાથે આ આંકડો છેલ્લા ૧૭ મહિનામાં સૌથી વધુ છે. આ ડેટા અનુસાર જાન્યુઆરી-૨૦૧૯માં જાન્યુઆરી-૨૦૧૮ની તુલનાએ ૧૩૧ ટકા વધુ લોકોએ ઇપીએફઓ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જાન્યુઆરી-૨૦૧૮માં ૩.૮૭ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

જાન્યુઆરી-૨૦૧૯માં ઇપીએફઓ એનરોલમેન્ટ ૮.૯૬ લાખ રહ્યું હતું, જે ૧૭ મહિનામાં સૌથી વધુ છે. પેરોલ ડેટા અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૭માં ૨.૭૫ લાખ નવા રોજગારનું સર્જન થયું હતું, જ્યારે સપ્ટેમ્બર-૨૦૧૭થી જાન્યુઆરી-૨૦૧૯ વચ્ચે ૭૬.૪૮ લાખ નવા લોકો ઇપીએફઓ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એટલે કે આટલા નવા રોજગાર મળ્યા હતા.

સપ્ટેમ્બર-૨૦૧૭થી ડિસેમ્બર-૨૦૧૮ વચ્ચે ૭૨.૩૨ લાખ ઇપીએફઓ રજિસ્ટ્રેશનનું અનુમાન હતું, જોકે આ સમયગાળા દરમિયાન તે અનુમાનથી ૬.૬ ટકા ઓછું રહ્યું છે. આ સમયગાળામાં ૬૭.૫૨ લાખ લોકોએ ઇપીએફઓ પર એનરોલમેન્ટ કરાવ્યું હતું, જ્યારે માર્ચ-૨૦૧૮ની વાત કરીએ તો તાજેતરના રિપોર્ટ અનુસાર આ મહિનામાં લગભગ ૨૯૦૨૩ લોકોએ ઇપીએફઓનું સબસ્ક્રિપ્શન છોડ્યું હતું. જાન્યુઆરી-૨૦૧૯માં સૌથી વધુ રોજગાર ૨૨થી ૨૫ વર્ષની વય જૂથના લોકોને મળ્યા હતા. આ વય જૂથના ૨.૪૪ લાખ યુવાનોએ ઇપીએફઓમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે ૧૮થી ૨૧ વર્ષની વય જૂથના ૨.૨૪ લાખ યુવાનોને આ મહિનામાં રોજગાર મળ્યા હતા.

You might also like