ભારત-રશિયા વચ્ચે 7.47 લાખ AK રાઈફલનો કરાર: અમેઠીમાં પ્લાન્ટ

(એજન્સી) નવી દિલ્હી: એક અમેરિકન કંપની સાથે ૭૨.૪૦૦ એસોલ્ટ રાઈફલની ખરીદી માટે કરાર કર્યા બાદ ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે હવે રશિયા સાથે મળીને ૭ લાખ ૪૭ હજાર કલાશ્નિકોવ રાઈફલોના નિર્માણ માટે કરારનો ફેંસલો કર્યો છે. આ રાઈફલ બનાવવા માટે ઉત્તરપ્રદેશના અમેઠીમાં પ્લાન્ટ શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે કલાશ્નિકોલ રાઈફલ બનાવવા માટેના કરારને લીલી ઝંડી આપી દીધી છે. રશિયાની એક કંપની અને ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ સાથે મળીને ૭.૪૭ લાખ કલાશ્નિકોવ રાઈફલ બનાવશે. આ રાઈફલ સોવિયત જનરલ મિખાઈલ કલાશ્નિકોવે શોધ કરેલી પ્રતિષ્ઠિત એકે-૪૭ રાઈફલનું જ લેટેસ્ટ વર્ઝન છે. કલાશ્નિકોવના નામ પરથી જ આ ઓટોમેટિક રાઈફલનું નામ રાખવામાં આવ્યું છે અને તે દુનિયાનું સૌથી વધુ પ્રચલિત અને વ્યાપક રૂપમાં વપરાતું હથિયાર છે.

આ પ્રોજેકટ પર કેટલો ખર્ચ થશે અને તેનું નિર્માણ કાર્ય ક્યારથી શરૂ કરવામાં આવશે તેની જાણકારી સરકાર તરફથી હવે પછી જારી કરવામાં આવશે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનાથી જ આ રાઈફલના નિર્માણ અંગે ભારત અને રશિયા વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. ડિસેમ્બરમાં સરકારે સંકેત આપ્યા હતા કે, ‘મેક ઈન ઈન્ડિયા’ હેઠળ આ રાઈફલ્સનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. આ હથિયાર ભારતીય સેના અને પોલીસકર્મીઓને આપવામાં આવશે.

ભારત અને રશિયાની સરકારો વચ્ચે થનારા આ કરાર હેઠળ રશિયાની કલાશ્નિકોવ કન્સર્ન અને ભારતની ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ સાથે મળીને એકે-૪૭ની ત્રીજી જનરેશનની રાઈફલ એકે-૨૦૩બનાવશે. બંને દેશ વચ્ચે અધિકૃત સમજૂતી પર આ સપ્તાહના અંત સુધીમાં હસ્તાક્ષર થાય તેવી શક્યતા છે. એ વખતે જ કરાર સાથે જોડાયેલી કિંમતો, સમયસીમા સહિતની તમામ જાણકારી જારી કરવામાં આવશે તેવું સંરક્ષણ મંત્રાલયના સૂત્રો જણાવે છે.

ઉલ્લેખનીય છે કે, આ કરાર સંરક્ષણ મંત્રાલયના એ પ્રસ્તાવ હેઠળ થઈ રહ્યો છે, જેમાં મંત્રાલયે સાડા છ લાખ રાઈફલની ખરીદી માટે ટેન્ડર મંગાવ્યાં હતાં. આ કરારમાં ભારત સરકારની પોલિસી પ્રમાણે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ પાસે મેજોરિટી ૫૦.૫ટકા શેર રહેશે, જ્યારે રશિયા પાસે ૪૯.૫ટકા શેર રહેશે.

એકે રાઈફલ ખાસ કેમ છે?
મિખાઈલે આ ઓટોમેટિક હથિયારની શોધ કરી હોવાથી તેને આવટોમેટ કલાશ્નિકોવા (એકે) નામ આપવામાં આવ્યું હતું. બાદમાં તેને ઓટોમેટિક કલાશ્નિકોવ નામ અપાયું. શરૂઆતના મોડલમાં અનેક સમસ્યાઓ હતી, પરંતુ વર્ષ ૧૯૪૭માં મિખાઈલે આવટોમેટ કલાશ્નિકોવા મોડલને પૂરું કરી લીધું.

આખું નામ બોલવામાં તકલીફ પડતી હોવાથી તેને સંક્ષિપ્ત કરીને એકે-૪૭ કહેવામાં આવી. એકે સિરીઝની એકે-૪૭ ઉપરાંત એકે-૭૪ અને એકે-૧૦૩ રાઈફલ પણ ખૂબ સફળ રહી છે. એકે-૪૭થી પાણીની અંદર હુમલો કરો તો પણ ગોળી સીધી ટાર્ગેટ પર જ જાય છે. ગોળીની ગતિ એટલી વધુ હોય છે કે, પાણીનું ઘર્ષણ પણ તેની સ્પીડ પર અસર કરી શકતું નથી. આ માટે જ એકે-૪૭ દુનિયાની એકમાત્ર એવી રાઈફલ છે, જેની સૌથી વધુ નકલ કરવામાં આવી છે.

You might also like