રાજસ્થાનથી અમદાવાદ આવી રહેલી લક્ઝરીમાંથી 70 કિલો ચાંદી ઝડપાયું 

ચૂંટણીના કારણે રાજ્યમાં પોલીસ ચેકિંગ સઘન બન્યું છે. એવામાં અમીરગઢ ચેકપોસ્ટ નજીક પોલીસે વાહનચેકિંગ દરમ્યાન એક લઝકરી બસમાંથી રાજસ્થાનથી અમદાવાદ લઇ જવાઇ રહેલો ચાંદીનો જથ્થો ઝડપી લઇ રાજસ્થાનના એક શખસની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે અમીરગઢ ચેકપોસ્ટ નજીક હાઇવે પર પોલીસે ગઇરાત્રે નાકાબંધી કરી સઘન વાહનચેકિંગ શરૂ કર્યું હતું. દરમ્યાનમાં વહેલી સવારે રાજસ્થાનના પાલીથી અમદાવાદ તરફ આવી રહેલી લકઝરી બસની તલાશી લેતા આ બસમાંથી ૭૦ કિલો જેટલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ અંગે છોટુલાલ ગણેશજી જૈન નામના રાજસ્થાનના અજમેરના રહીશ એક શખસની ધરપકડ કરી પૂછપરછ કરતા આ ચાંદીનો જથ્થો અમદાવાદ લઇ જવાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગે ઇન્કમટેકસ વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like