વાહનોનાં પ્રેશર હોર્ન બદલ ૭૦ ગણો દંડ થાય તેવી સંભાવના

નવી દિલ્હીઃ વાહનોમાં પ્રેશર હોર્ન રાખનારા વાહનધારકોને આગામી દિવસોમાં આવાં હોર્ન રાખવા બદલ ૭૦ ગણો દંડ થઈ શકે તેવી સંભાવના છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ દિલ્હી ટ્રાફિક પોલીસને આદેશ આપ્યો છે કે તે વાહનોમાં પ્રેશર હોર્નનો ઉપયોગ કરતા વાહનધારકો સામે મહત્તમ દંડનીય કાર્યવાહી કરે.

વર્તમાન સમયમાં પ્રેશર હોર્ન લગાવનારા વાહનચાલકો પાસેથી માત્ર રૂ.૧૦૦ દંડ લેવામાં આવે છે, જેને રૂ.૭,૦૦૦ સુધી કરવાની હિલચાલ ચાલી રહી છે. દિલ્હી પોલીસ આવા કેસમાં સખત કાર્યવાહી કરવાની દિશામાં આવા નિયમભંગ કરનારાઓ સામે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી)ના નિયમ અને ધ્વનિ પ્રદૂષણ અધિનિયમની અવગણનાની કલમ હેઠળ કાર્યવાહી કરવા વિચારણા કરી રહી છે. આરસી નિયમમાં રૂ.ર૦૦૦ અને ધ્વનિ પ્રદૂષણના નિયમના ઉલ્લંઘન બદલ રૂ.પ,૦૦૦ સુધી દંડની જોગવાઈ છે.

આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આવા નિયમોને વધુ કડક બનાવીને લોકોનો પ્રેશર હોર્ન પ્રત્યેનો મોહ દૂર કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. દિલ્હીમાં આવા હોર્નનો ઉપયોગ સામાન્ય વાત થઈ ગઈ છે. જોકે શરૂઆતમાં આવા હોર્ન મોટા વાહનમાં જ વપરાતા હતા, પરંતુ હવે તો આવાં હોર્ન કાર, જીપ અને ટુ‌વ્હિલરમાં પણ વપરાઈ રહ્યા છે. આ અંગે પ્રતિબંધ ફરમાવવા છતાં દિલ્હીનાં બજારમાં આવાં હોર્ન સરળતાથી મળી રહે છે. હાલ આવા હોર્નના ઉપયોગ બદલ પહેલી વાર રૂ.૧૦૦ અને બીજી વાર રૂ.૩૦૦નો દંડ કરવામાં આવે છે.

You might also like