૭૦ ટકા ફિટનેસ પૂરક આહાર નકલીઃ એસોચેમનો અહેવાલ

નવી દિલ્હી: ઉદ્યોગ સંગઠન એસોચેમે એવો દાવો કર્યો છે કે દેશમાં વેચાઇ રહેલા ૬૦થી ૭૦ ટકા ફિટનેસ સપ્લિમેન્ટ્સ નકલી છે. માર્કેટ રિસર્ચ કંપની આરએનસીઓએચ સાથે હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનો અહેવાલ જારી કરતાં એસોચેમે જણાવ્યું હતું કે દેશમાં વેચાતા ૬૦થી ૭૦ ટકા પૂરક આહાર નકલી, અનરજિસ્ટર્ડ અથવા તો અનધિકૃત છે. આ ઉપરાંત નકલી પ્રોડક્ટની ઓળખ કરવી પણ મુશ્કેલ છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે દેશમાં ફિટનેસ સપ્લિમેન્ટનું બજાર લગભગ બે અબજ ડોલરનું છે. ૨૦૨૦ સુધીમાં આ માર્કેટ ચાર અબજ ડોલરે પહોંચી જવાની આશા છે. આ ક્ષેત્રની કંપનીઓ માટે વિટા‌િમન અને ખનિજના પૂરક આહારમાં આગામી વર્ષોમાં ઘણી તક જોવા મળશે, કારણ કે તેના ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને તેમાં સૌથી મોટું યોગદાન મધ્યમવર્ગનું છે.

હાલ આ બજારમાં વિટા‌િમન અને મિનરલ્સયુક્ત પૂરક આહારનો હિસ્સો ૪૦ ટકા, ઔષધીય પૂરક આહારનો હિસ્સો ૩૦ ટકા અને પ્રોબાયોટિકનો હિસ્સો ૧૦ ટકા છે. અભ્યાસ અહેવાલમાં ગ્રાહકોને નકલી પ્રોડક્ટથી બચાવવા માટે બ્લોક સ્તરે નાની નાની સમિતિઓની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે, જે બજારમાં નકલી પ્રોડક્ટની હાજરીમાં નજર રાખશે અને તેનું વેચાણ અટકાવવા માટે જરૂરી પગલાં લેશે કે જેથી સમગ્ર ઉદ્યોગનું નામ ખરાબ ન થાય.

એસોચેમે જણાવ્યું હતું કે પૂરક આહાર બજારમાં ટેબ્લેક, કેપ્સ્યૂલ, જેલ, જેલ કેપ, લિક્વિડ અથવા ચૂર્ણ સ્વરૂપે ઉપલબ્ધ છે. ૨૦૧૨ના એક સર્વેક્ષણ અનુસાર ભારતીય શહેરોમાં ૭૮ ટકા કિશોરો આ પ્રકારના પૂરક આહારનો ઉપયોગ કરે છે.

You might also like