“ચલો શાળા આંગણે આવી” યોજના માત્ર કાગળ પર, 7 મોબાઇલ વાન ખાઇ રહી છે ધૂળ

અમદાવાદઃ યોજનાઓની જાહેરાત વખતે દાખવેલો ઉત્સાહ અમલીકરણ વખતે મંદ પડી જાય છે. જેનાં કારણે કલ્યાણ રાજ્યનાં ઈરાદાઓ પર બેદરકારીની ધૂળ જામી જાય છે. વંચિતોનાં આંગણા સુધી બસ દ્વારા શાળા લઈ જવાની યોજના હાલ ભંગારખાનામાં ધૂળ ખાઈ રહી છે અને સરકાર નિયમિત રીતે ડ્રાઈવરોને પગાર ચૂકવી રહી છે.

`સ્કૂલ આપણે દ્વાર’ જેવી યોજનાઓની જાહેરાત કરીને સરકારી નાણાંનો રેલો પોતાનાં ઘરને દ્વાર સુધી વહેતો કરાયો છે. પરંતુ વંચિતો સુધી સુવિધાથી સજ્જ જ્ઞાનની વાન આજ સુધી નથી ગઈ.

રાજ્ય સરકાર એક બાદ એક નવી-નવી યોજનાઓની જાહેરાત કરવામાં અદભૂત ઉત્સાહ દાખવે છે. પરંતુ જાહેર કરેલી યોજનાઓનાં અમલીકરણની વાત આવે ત્યારે સરકારનો ઉત્સાહ મંદ પડી જાય છે. આ બસનાં પાછળનાં ભાગે લખેલું `ચાલો શાળા આંગણે આવી’ વાંચતા જ ખબર પડી જશે કે આ બસ જ્ઞાનવહન માટે ઉપયોગમાં લેવાતી હશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સરકારનાં સહુ સુધી શિક્ષણ પહોંચે તે માટે `સ્કૂલ આપનાં દ્વાર’ કોન્સેપ્ટ હેઠળ થોડાં વર્ષો પહેલા આ સાત બસો ખરીદવામાં આવી હતી. આ બસો વસાવવા પાછળનો હેતુ શહેરનાં શિક્ષણ સુવિધાથી વંચિત વિસ્તારો સુધી મોબાઈલ શાળા દ્વારા શિક્ષણ પહોંચાડવાનો હતો.

જે માટે મ્યુનિસિપલની તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ બસો વસાવવામાં આવી હતી. પરંતુ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે, આ બસનો ઉપયોગ એક પણ વખત કરવામાં આવ્યો નથી કે બસ દ્વારા કોઈ પણ શિક્ષણ સુવિધાથી વંચિત બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જ્ઞાનવહન માટે ખરીદાયેલી આ બસોની બહાર ‘ચલો શાળા આંગણે’ આવી જેવું રૂપકડું સૂત્ર લખવામાં આવ્યું છે. બસની અંદર બોર્ડ, બેન્ચિસ, કોમ્પ્યુટર અને પીવાનાં પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં બસ ચલાવવા માટે પ્રત્યેક બસ દીઠ ડ્રાઈવરોની પણ નિમણુંક કરવામાં આવી છે.

પરંતુ આ બસોને ક્યારેય શિક્ષણ સુવિધાથી વંચિત બાળકોનાં દ્વાર સુધી લઈ જવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે, એક પણ વાર આ બસ ગરીબ બાળકોનાં દ્વાર સુધી લઈ જવામાં આવી નથી. છતાં નિયત કરાયેલાં ડ્રાઈવરોને સરકારની તિજોરીમાંથી નિયમિત રીતે પગાર ચુકવાઈ રહ્યો છે. બીજી રીતે કહીએ તો આ મોબાઈલ શાળાનાં ડ્રાઈવરો ઘરે બેઠા પગાર મેળવી રહ્યાં છે.

આ બાબત કોઈ મોટા ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરી રહી છે. સ્કૂલ આપનાં દ્વારે કોન્સેપ્ટ અંતર્ગત ખરીદાયેલી આ 7 બસો પાલડીમાં આવેલા સ્કાઉટ ભવનો ખાતે ભંગાર હાલતમાં ધૂળ ખાઈ રહી છે અને શાસકો અને તંત્રનાં વાહકો યોજનાની માત્ર જાહેરાત કરીને જવાબદારી પૂરી કર્યાનો સંતોષ માની રહ્યાં છે.

You might also like