66 ભૂતપૂર્વ બ્યૂરોક્રેટસે રાષ્ટ્રપતિને પત્ર લખીને ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી

એક બાજુ લોકસભા ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે તો બીજી બાજુ ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનની ઘટનાઓ સામે આવી રહી છે. ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખતાં ચૂંટણી પંચ પર નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની મોટી જવાબદારી છે.

આ દરમિયાન દેશમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સાથે આચારસંહિતાનાં પાલન પ્રત્યે ચૂંટણી પંચની ભૂમિકાને લઈને પૂર્વ બ્યૂરોક્રેટ્સ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ૬૬ જેટલા પૂર્વ બ્યૂરોક્રેટ્સે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર પણ લખ્યો છે.

આ ૬૬ પૂર્વ બ્યૂરોક્રેટ્સે દેશમાં અમલી આદર્શ ચૂંટણી આચાર સંહિતાના પાલન પ્રત્યે ચૂંટણીપંચની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા છે. ચૂંટણી પંચની ફરિયાદ કરતાં પૂર્વ બ્યૂરોક્રેટ્સે પોતાના પત્રમાં ઓપરેશન શક્તિ દરમિયાન એન્ટી સેટેલાઈટ મિશનના સફળ પરીક્ષણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રજોગ સંબોધન, નરેન્દ્ર મોદી બનેલી બાયોપિક ફિલ્મ, વેબ સિરીઝ અને ભાજપના કેટલાય નેતાઓના વાંધાજનક ભાષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવાયું છે કે ચૂંટણી પંચને આ અંગે ફરિયાદ કરવા છતાં દેખાડા પૂરતી કાર્યવાહી કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખનારા પૂર્વ બ્યૂરોક્રેટ્સમાં પૂર્વ વિદેશ સચિવ શિવશંકર મેનન, દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ, પંજાબના પૂર્વ ડીજીપી જુલિયો રિબેરો, પ્રસાર ભારતીના પૂર્વ સીઈઓ જવાહર સરકાર અને ટ્રાઈના પૂર્વ ચેરમેન રાજીવ ખુલ્લર જેવા પૂર્વ બ્યૂરોક્રેટ્સનો સમાવેશ થાય છે.

You might also like