અમદાવાદ: દિવાળીના તહેવારમાં અમદાવાદ શહેરને સલામત રાખવા આગ અને અકસ્માતના બનાવોમાં બચાવની કામગીરી માટે ફાયરબ્રિગેડ સતત દોડતું રહ્યું હતું. આ વર્ષે દિવાળીમાં કોઈ મોટા બનાવ જોવા મળ્યા નથી. પાંચ દિવસમાં ફાયર કન્ટ્રોલરૂમમાં 64 આગના કોલ્સ નોંધાયા હતા. જોકે આ દિવાળીએ કોઈ જાનહાનિના બનાવો નોંધાયા ન હતા.
દિવાળીના તહેવારો તારીખ 8 થી 13 સુધીમાં આગના કુલ 64 કોલ્સ નોધાયા હતા. દિવાળીના દિવસોમાં ફાયરબ્રિગેડનો સ્ટાફ ખડેપગે રહીને સતત કામગીરીમાં વ્યસ્ત રહ્યો હતો. જ્યારે આ વર્ષે ફાયર બ્રિગેડને નાના-મોટા આગના બનાવોને બાદ કરતાં શહેરમાં પસ્તી અને ભંગારના ગોડાઉનમાં આગ અને હાઈવે પર ફર્નિચરના ગોડાઉનમાં એમ બે મોટા બનાવો જોવા મળ્યા છે.
દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે તેમજ ફટાકડાથી અન્ય રીતે લાગેલી આગને પગલે 62 કોલ્સ મળ્યા હતા. આ અંગે ચીફ ફાયર ઓફિસર એમ. એફ. દસ્તુરે જણાવ્યું કે આ વર્ષે દિવાળીમાં સામાન્ય કોલ્સ જોવા મળ્યા હતા. જેમાંથી બે મોટા કોલ્સ હતા જ્યારે અન્ય કોલ્સ સામાન્ય ફટાકડાથી લાગવામાં આવેલી આગના હતા.