મહાનુભાવોની ૬૩ પ્રતિમાઅો આખરે ‘ચોખ્ખીચણાક’ થશે !

અમદાવાદ: સામાન્ય રીતે અમદાવાદમાં જે તે મહાનુભાવની જન્મજયંતી નિમિત્તે કોર્પોરેશન દ્વારા યોજાતા પુષ્પાંજ‌િલના કાર્યક્રમના બે-ત્રણ દિવસ અગાઉ તેમની પ્રતિમાની સાફસફાઈ કરીને સુઘડ કરવામાં અાવે છે. અન્ય દિવસોમાં અા મહાનુભાવોની પ્રતિમા તરફ તંત્ર નજર પણ નાખતું નથી, પરંતુ અાગામી રવિવાર તા. ૧ મેના રોજ ગુજરાત સ્થાપનાદિન નિમિત્તે સત્તાવાળાઅો મહાનુભાવોની કુલ ૬૩ પ્રતિમાઅો ચોખ્ખીચણાક કરવાના છે.

શહેરમાં મહાનુભાવોની પ્રતિમાની જાહેર રસ્તા કે ચાર રસ્તા કે બગીચા, હોલના ખૂણે ઉલ્લાસભેર સ્થાપના કર્યા બાદ અનેક વખત તેમના અનુયાયીઅો જ જન્મજયંતી કે પુણ્યતિ‌થિ સિવાયના દિવસોમાં ભૂલી જતા હોવાના દાખલા નોંધાયા છે. કોર્પોરેશન છાસવારે ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવીને મ્યુનિ. તિજોરીમાંથી લાખો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ મહાનુભાવોની પ્રતિમાની ‘નિયમિત’ સફાઈ માટે ક્યારેય ગંભીરતા દાખવતું નથી.

સરકારી કાર્યક્રમોની અગાઉ તંત્ર પ્રતિમાઅોની સાફસફાઈ માટે અાગળ અાવતું હોઈ અાગામી તા. ૧ મેના ગુજરાતદિનના કારણથી જ શહેરભરની કુલ ૬૩ પ્રતિમાઅોને સ્વચ્છ કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. અા પ્રતિમાઅો પૈકી અમુક પ્રતિમાઅોની સફાઈ ખુદ કોર્પોરેશન કરશે, જ્યારે અન્ય પ્રતિમાઅોને સ્થાનિક, સામાજિક સંસ્થાઅો, યુવક મંડળો, શાળા-કોલેજ, ટ્રસ્ટ અને સ્થાનિક કાર્યકરો ‘સ્વચ્છ’ કરશે એટલે મહિનાઅો સુધી ધૂળ ખાઈને કાગડા-કબૂતરાંઅોનાં મળ-મૂત્રના ‘અભિષેક’થી પાવન થતી પ્રતિમાઅો થોડા દિવસ પૂરતી નાગરિકોની અાંખને ગમે તેવી બનશે!

શહેરમાં ડો. બાબાસાહેબ અાંબેડકરની સૌથી વધુ ૧૪ પ્રતિમા છે. ત્યાર બાદ સરદાર પટેલની ૧૧ પ્રતિમા છે. ગાંધીજી અને વીર સાવરકરની ત્રણ-ત્રણ પ્રતિમા છે. અા ઉપરાંત અમદાવાદમાં સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, શિવાજી, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સ્વામી દયાનંદ સરસ્વતી, શહીદ વીર કિનારીવાલા, સ્વામી વિવેકાનંદ, લોકમાન્ય તિલક, નર્મદ, ઝવેરચંદ મેઘાણી, અખા ભગત, દલપતરામ જેવા મહાનુભાવોની પ્રતિમા છે. અા તમામ મહાનુભાવો હરહંમેશ માટે અાદર-સત્કારને પાત્ર છે, પરંતુ કોર્પોરેશનના સ્વચ્છ શહેર, સુંદર શહેરમાં બંધબેસતા થતા નથી!

You might also like