60 કરોડની વેટ ચોરીની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

અમદાવાદઃ ‌સિગારેટ સહિતની વસ્તુઓમાં આશરે 60 કરોડની વેટ ચોરીની નોંધાયેલી ચાર ફરિયાદોની તપાસ શહેર પોલીસ કમિશનરે ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. બીજી તરફ વેટ ચોરીમાં સામેલ વેપારીઓ-આરોપીઓ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજીઓ કરવામાં આવી છે, જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એફિડે‌િવટ કરીને આગોતરા જામીન નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

સામાન્ય રીતે એક કરોડથી વધુ રકમની ફરિયાદ હોય તો સીઆઈડી ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખાને તપાસ સોંપવામાં આવતી હોય છે. 2001થી 2012 સુધી એક કરોડથી વધુ રકમની સેલ્સટેક્સ ચોરીની 10થી વધુ ફરિયાદો સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી, જે તપાસ હજુ ચાલુ છે.

વેટ વિભાગ દ્વારા શહેરના 70 જેટલા વેપારીઓ સામે નવરંગપુરા પોલીસમથકમાં વેટ ચોરીની ચાર ફરિયાદો નોંધાઈ હતી, જેમાં આશરે 60 કરોડની રકમની વેપારીઓ દ્વારા વેટ ચોરી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ફરિયાદોની પ્રાથમિક તપાસ નવરંગપુરા પોલીસે હાથ ધર્યા બાદ પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી દેવામાં આવી છે.

બીજી તરફ ગંભીર ગુનાઓની તપાસમાં વ્યસ્ત ક્રાઈમ બ્રાન્ચ તપાસ સંભાળે તે પહેલાં વેપારીઓ દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજીઓ કરવામાં આવી હતી, જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વેપારીઓ સામેની તપાસ ચાલુ છે, સરકાર સાથે છેતર‌િપંડી કરવામાં આવી હોવાથી વેપારીઓને જામીન નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

You might also like