માર્ગ અકસ્માતોમાં બે દંપતી સહિત છનાં મોત

અમદાવાદ: રાજ્યના જુદા જુદા હાઇવે પર બનેલા માર્ગ અકસ્માતોમાં બે દંપતી સહિત છનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત હાલોલ પાસે જીપ પલટી ખાઇ જતાં જીપમાં બેઠેલા ૩૦ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી.પાવાગઢ-હાલોલ રોડ પરથી કિરણભાઇ રાઠવા અને તેમનાં પત્ની શાંતાબહેન અને ૧૧ વર્ષના પુત્ર રાજેન્દ્ર સાથે બાઇક પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી આવેલ બોલેરો જીપે બાઇકને જોરદાર ટક્કર મારતાં આ ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. જેમાં કિરણભાઇ અને તેમનાં પત્ની શાંતાબહેનને ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. જ્યારે પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ભિલાડ હાઇવે નજીક રોડ પર પાર્ક કરેલી ટ્રકની પાછળ હોન્ડા સિટી કાર ઘૂસી જતાં શરદ શિવાજીરાવ અને તેમનાં પત્ની કલ્પનાબહેનનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કારની પાછળથી સીટમાં બેઠેલ પુત્ર અંકુર અને પુત્રી જીનિકાનેે ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુરતના કામરેજ નજીક આવેલ દેરોદના વતની રાહુલ ગોવિંદભાઇ ભગત અને તેમના મિત્ર જિજ્ઞેશ સુરેશભાઇ પટેલ બંને જણા સેવણી ગામે લગ્નપ્રસંગ પતાવી ડસ્ટર ગાડીમાં સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે સેવણી ઓરણા રોડ પર કાર ચલાવી રહેલા જિજ્ઞેશે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર જોરદાર ધડાકા સાથે બાવળના ઝાડ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ઉપરોકત બંને ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા.

આ ઉપરાંત પાવાગઢ મહાકાળીનાં દર્શન કરી ‌િપકઅપ જીપમાં પરત ફરી રહેલ ૪૦ જેટલા મુસાફરોને પાવાગઢથી એક કિ.મી. દૂર જ અકસ્માત નડ્યો હતો. મુસાફરોથી ખીચોખીચ ભરેલી જીપ અચાનક પલટી ખાઇ ગઇ હતી. જોકે કોઇ જાનહાનિ થઇ ન હતી, પરંતુ જીપમાં બેઠેલ ૩૦ જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

You might also like