દિલ્હીમાં આગામી ૬ જાન્યુ. સુધી નવા ડીઝલ વાહનોની નોંધણી પર મનાઈ

નવી દિલ્હી : નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ આજે ચેના વચગાળાના આદેશમાં આગામી ૬ઠ્ઠી જાન્યુઆરી સુધી દિલ્હીમાં નવા ડીઝલ વાહનોના રજિસ્ટ્રેશન પર મનાઈ ફરમાવી હતી. દિલ્હીમાં પ્રદૂષણના મામલે ટ્રિબ્યુનલે વધુ સુનાવણી આગામી ૬ઠ્ઠી જાન્યુઆરી પર મુલતવી રાખી હતી. ટ્રિબ્યુનલે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારને તેમના વિભાગ માટે ડીઝલ વાહનોની ખરીદી બંધ કરવા પણ આદેશ આપ્યો હતો.

તે સાથે જ ટ્રિબ્યુનલે દિલ્હી સરકારની એકી-બેકી ફોર્મ્યુલા પર સવાલો ઉઠાવીને તેને નકામી ગણાવી હતી, ટ્રિબ્યુનલે તેના આદેશમાં જણાવ્યું હતું કે, સરકારે ગંભીર નોંધ લેવી જોઈએ અને દિલ્હીમાં ડીઝલ વાહનોના રજિસ્ટ્રેશન બાબતે નિર્ણય લેવો જોઈએ સરકારને તેના વિભાગોમાંથી જૂના ડીઝલ વાહનોને પણ તબક્કાવાર બંધ કરવા સૂચના આપી હતી. ટ્રિબ્યુનલના અધ્યક્ષ જસ્ટિસ સ્વતંત્રકુમારના નેતૃત્વ હેઠળની બેંચે જણાવ્યું હતું કે વચગાળાના પગલાં તરીકે અને આ કેસમાં તમામ સભ્યોને સાંભળવાની બાબતે અમે આદેશ આપીએ છીએ કે દિલ્હીમાં ડીઝલ વાહનો કે જે ૧૦ વર્ષ કરતાં વધુ જૂના છે તે તેમજ નવા ડીઝલ વાહનોની નોંધણી કરવી નહીં.

ગઈ ૭મી એપ્રિલે ટ્રિબ્યુનલે ઠેરવ્યું હતું કે,૧૦ વર્ષ કરતાં વધુ જુના તમામ ડીઝલ વાહનો દિલ્હી અને એનસીઆરમાં ચલાવી શકાશે નહીં. બેંચે દિલ્હી સરકારને પૂછ્યું હતું કે તે બાબતે તમે શું પગલાં લીધા. તેના જવાબમાં દિલ્હી સરકાર તરફથી હાજર થયેલા વકીલે જણાવ્યું હતું કે ૧૦ વર્ષ જૂના ડીઝલ વાહનો ચલાવવાની પરવાનગી નહીં આપવા અંગે નિર્ણય લેવાયો છે. દિલ્હી સરકારની વાહનો માટેની એકી-બેકી સંખ્યાની ફોર્મ્યુલા વિશે પણ બેંચે સવાલો ઉઠાવ્યા હતા.

બેંચે કહ્યું કે આ યોજનાને લીધે રસ્તાઓ પર કારોની સંખ્યા વધી શકે છે. લોકો બે કાર ખરીદવા વિચારી શકે. એક એકી સંખ્યાવીળી અને બીજી બેકી સંખ્યાવાળી. બેંચે એમ પણ કહ્યું કે આ ફોર્મ્યુલા અંગે દિલ્હી સરકારની શું યોજના છે. ! અગાઉ તો દિલ્હી સરકારે કહ્યું હતું કે વાહનોને લીધે સૌથી વધુ પ્રદૂષણ નથી થતું. તો આ ફોર્મ્યુલા શા માટે અમલમાં મૂકવામાં આવી રહી છે.ટ્રિબ્યુનલે દિલ્હી સરકારને એવો પણ પ્રશ્ન કર્યો હતો કે જાહેર સ્થળોએ કચરો સળગાવાય છે તે કેમ રોકવામાં નથી આવતું ટ્રિબ્યુનલે પ્રદૂષણને લીધે વિદ્યાર્થીઓને થતાં નુકસાનને લઈને પ્રશ્ન કર્યો હતો કે શાળાઓમાં હજુ સુધી વોટર પ્યોરીફાયર શા માટે મૂકવામાં આવ્યા નથી.

દિલ્હીમાં તમામ પ્રકારના ડીઝલ વાહનોના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવે તેવું બની શકે કે કેમ તે અંગે ટ્રિબ્યુનલે દિલ્હી સરકાર પાસેથી અભિપ્રાય માગ્યો હતો. ટ્રિબ્યુનલે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ૧૦ વર્ષથી જૂના ડીઝલ વાહનો અને ૧૫ વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોનું એનસીઆરમાં રજિસ્ટ્રેશન કરવું નહીં.

You might also like