બિહારમાં નાળામાં કાર ખાબકતાં છ બાળકનાં મોતઃ એકનો બચાવ

પટણા: બિહારના અરરિયામાં આજે સવારે બનેલી એક ઘટનામાં જાનમાંથી પરત આવતી એક કાર પાણી ભરેલા નાળામાં ખાબકતાં છ બાળકનાં મોત થયાં છે જ્યારે અન્ય એક બાળકનો બચાવ થયો છે, જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેની હાલ સારવાર ચાલી રહી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર બિહારના અરરિયા જિલ્લાના તારાબાડી પોલીસમથક હેઠળના ચિકની ગામ નજીક બનેલી આ ઘટનામાં જાનમાંથી પરત આવી રહેલી એક કાર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કાર રોડ નજીકના નાળામાં ખાબકતાં કારમાં બેઠેલાં સાત બાળકો પૈકી છ બાળકનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને તપાસ કરતાં તેમાં ગંભીર રીતે ઘવાયેલા એક બાળકને હોસ્પિટલ પહોંચાડ્યું હતું. હાલ આ બાળકની સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતમાં છ બાળકનાં મોત થતાં આ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. સવારે જ આ ઘટના બનતાં આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા અને મૃતક બાળકો તથા ઈજાગ્રસ્ત બાળકને બહાર કાઢ્યાં હતાં. બાદમાં તેમને સારવાર માટે પહોંચાડ્યાં હતાં.

You might also like