ભાવનગરઃ 6 કાળિયારનાં મળી આવ્યાં મૃતદેહો, વનવિભાગે ઘટના મુદ્દે તંત્ર પાસે માંગ્યો રિપોર્ટ

ભાવનગરઃ શહેરમાં કાળિયારનાં મોત મામલે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આ કાળિયારનાં મોત કેમિકલયુક્ત પાણી પીવાથી થયાં હતાં. કાળિયાર સાથે અનેક પક્ષીઓનાં પણ ગંદુ પાણી પીવાથી મોત થયાં છે તો આ મામલે પાણીનાં સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે અને તેને તપાસ માટે પણ મોકલવામાં આવ્યાં છે.

ત્યારે આ મામલે વન વિભાગ પણ હવે સક્રિય થઇ ગયું છે. રાજ્ય વન વિભાગે સ્થાનિક વન વિભાગ પાસેથી વિશેષ રિપોર્ટ પણ માંગ્યો છે અને આ રિપોર્ટનાં આધારે રાજ્ય વન વિભાગ વધુ કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે કાળા તળાવમાં પાણી પીવાથી 6 કાળિયારનાં પણ મોત થયાં હતાં.

મહત્વનું છે કે સુત્રોનાં કહેવા મુજબ અધિકારીઓએ સ્થાનિક વિસ્તારની પણ વિશેષ તપાસ હાથ ધરી છે. જો કે આ મામલે એમ માનવામાં આવી રહ્યું છે કે આ સ્થળની નજીક કંપની હોવાંથી તે કંપનીનું કેમિકલયુક્ત પાણી ઊભરાઇ આવે છે કે જેથી તે પાણી પીવાંથી આ કાળિયારનાં મોત નિપજ્યાં હોવાંની આશંકા સેવાઇ રહી છે.

મહત્વનું છે કે કાળિયારનાં મોતનું સાચું કારણ તો કદાચ પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે. વનવિભાગે પાણીનાં નમૂના લઇને તેને FSLને મોકલી આપ્યાં છે. સૂત્રોનાં જણાવ્યાં મુજબ આ કંપનીઓ કેમિકલયુક્ત આ પાણીને ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દે છે. આ રિપોર્ટ બાદ જ જાણવાં મળશે કે આ પાણીમાં કેમિકલ છે કે નહીં.

ભાવનગરનાં ભાલ વિસ્તારમાં વેળાવદર ખાતે કાળીયાર અભ્યારણ્ય આવેલું છે અને અહીં 5000થી વધુ કાળીયારો જોવાં મળે છે. આમ તો અનેક વખત અકસ્માતો અને વવાઝોડાનાં કારણે અહીં પાર્કની બહાર વિહાર કરતાં કાળીયારનાં મોત થાય છે ત્યારે વનવિભાગ આ વિસ્તારમાં તકેદારી રાખે તે જરૂરી છે.

You might also like