રેલવેમાં પાંચ વર્ષમાં ૬.૩૪ લાખ કરોડનું રોકાણ થશે

મુંબઇ: ભારતમાં રેલવે સુવિધાઓ વધુ સારી બનાવવા આગામી પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ૬.૩૪ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી શકે છે. મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટ મુજબ ભારતીય રેલવે છેલ્લાં કેટલાંય વર્ષથી ઓછાં રોકાણ અને ઢીલી નીતિઓનો ભોગ બની રહી છે. આગામી પાંચ વર્ષમાં દેશમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવતાં જીડીપીમાં વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૧૮-૧૯ સુધી પાંચ વર્ષના સમયગાળામાં ૧૨ ટકા વૃદ્ધિ જોવાઇ શકે છે.

રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે દેશમાં પરિવહન સુવિધાઓના સુધાર માટે રેલવેમાં સુધાર કરવો જ તેનો યોગ્ય ઉકેલ છે. વિશ્વ બેન્કના રિપોર્ટ અનુસાર ભારતમાં માલ સામાન પરિવહનનો ખર્ચ જે તે ચીજવસ્તુઓનાં વેચાણ ખર્ચમાં ૧૦થી ૧૪ ટકાની આસપાસ છે, જે તેના બેન્ચમાર્ક પડતર કરતાં બેથી ત્રણ ગણી વધુ છે અને તેને કારણે તંદુરસ્ત હરીફાઇ પર તેની અસર પડે છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા પ્રમાણમાં છે, પરંતુ જરી પુરાણાં સાધનોને કારણે સ્પર્ધાત્મક થઇ શકતું નથી. આવા સંજોગોમાં જો રેલવેમાં રોકાણ કરવામાં આવે તો માલ પરિવહન ખર્ચમાં ઘટાડો થશે.

You might also like