મ્યાનમારમાં ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવતાં હડકંપ મચી ગયો

મ્યાનમાર, શુક્રવાર
મ્યાનમારમાં ગુરુવારે મોડી રાતે ભૂકંપના પ્રચંડ આંચકા અનુભવાયા હતા. સમાચાર એજન્સી એએનઆઇના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ મ્યાનમારમાં મોડી રાતે આવેલા પ્રચંડ ભૂકંપની ‌તીવ્રતા રિકટર સ્કેલ પર ૬.૦ માપવામાં આવી હતી. જોકે આ ભૂકંપને કારણે હજુ સુધી કોઇ ખુવારી થઇ હોવાના સમાચાર મળ્યા નથી.

મોડી રાતે આવેલા ભૂકંપને કારણે મીઠી નીંદર માણી રહેલા લોકો એકાએક ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા અને તેમનામાં ડર અને ફફડાટ વ્યાપી ગયો હતો. લોકો મોડી રાતે પોતાના ઘરમાંથી બહાર નીકળીને રસ્તા પર સલામત સ્થળે ભાગી જતા જોવા મળ્યા હતા. ભૂકંપના કારણે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ભૂકંપ બાદ લોકો આખી રાત જાગતા રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે કેરેબિયન સાગરમાં ગત મંગળવારે મધરાત બાદ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવતાં હડકંપ મચી ગયો હતો. યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે આ ભીષણ ભૂકંપના પગલે સુનામી આવવાની એડ્વાઇઝરી જારી કરવામાં આવી હતી. કેરેબિયન સાગરમાં ભૂકંપના એપી સેન્ટરથી ૧,૦૦૦ કિમીના દાયરામાં સુનામી લહેરો ઊછળી હતી.

પેેસિફિક સુનામી વોર્નિંગ સેેન્ટરના જણાવ્યા પ્રમાણે પ્યુર્ટોરિકો અને યુએસ વર્જિન આઇલેન્ડમાં સુનામીની એડ્વાઇઝરી અમલમાં હતી. ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઇ જાણકારી મળી શકી નથી. ભૂૂકંપ જમૈકાની પશ્ચિમમાં ૧૦ કિ.મી.ની ઊંડાઇએ આવ્યો હતો.

You might also like