નવા નરોડામાં બંધ ઘરમાંથી ૫.૮૦ લાખના દાગીનાની ચોરી

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ગઇ કાલે વધુ એક ચોરીની ઘટના પૂર્વ વિસ્તારમાં બની છે. નવા નરોડા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તસ્કરો પ.૮૦ લાખના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. માતા-પુત્ર છેલ્લા પાંચ દિવસથી યજ્ઞમાં ગયાં હતાં તે સમયે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

નવા નરોડા વિસ્તારમાં આવેલ ન્યુ નંદનવન સોસાયટીમાં રહેતાં પ૦ વર્ષીય ઇન્દિરાબહેન દિનેશભાઇ પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. મેલડીમાતાના યજ્ઞ માટે ઇન્દિરાબહેન અને તેમનો પુત્ર છેલ્લા પાંચ દિવસથી બહારગામ ગયા હતાં.

બે દિવસ પહેલાં ઇન્દિરાબહેનનાે ભત્રીજાે હાર્દિક તેમના ઘરનું લોક મારીને ચાવી પાડોશમાં રહેતા ભાવેશભાઇ ગોરને આપીને જતો રહ્યો હતો. ગઇ કાલે સવારે ભાવેશભાઇએ ઇન્દિરાબહેનને ફોન કર્યો હતો અને તેમના ઘરનું તાળું તૂટેલું છે તેવા સમાચાર આપ્યા હતા.

ઇન્દિરાબહેન અને તેમનો પુત્ર તાત્કા‌િલક યજ્ઞ છોડીને તેમના ઘરે આવી ગયાં હતાં જ્યાં ઘરનો સરસામાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરી પણ ખુલ્લી હતી. ઇન્દિરાબહેને તિજોરી ચેક કરતાં તેમાં રહેલ ૧૭ તોલા સોનું અને એક કિલો ચાંદીના દાગીના ગાયબ હતા.

ચોરીની જાણ થતાં અાડોશપાડોશના લોકો ઇન્દિરાબહેનના ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ મોડી રાતે કુલ પ.૪૦ લાખનું સોનું તેમજ ૪૦ હજાર રૂપિયાની ચાંદી મળીને કુલ પ.૮૦ લાખ રૂપિયાની ચોરી કરી છે.

You might also like