નારોલ-ઈસનપુર રોડ પર લાકડાની લારીમાં ભીષણ આગ

અમદાવાદ: નારોલથી ઇસનપુર રોડ ઉપર આવેલી લાકડાની લાટીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા 23 ફાયર ફાઇટર અને ટેન્કરો મોકલવામાં આવ્યાં હતાં. ફાયરબ્રિગેડના 80 જવાનોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે.

શહેરના નારોલથી ઇસનપુર રોડ ઉપર રાજબાઇ ટિમ્બર માર્ટ કરીને લાકડાની લાટી આવેલી છે. વહેલી પરોઢે અચાનક લાકડાની લાટીમાં અગમ્ય કારણોસર સામાન્ય આગ લાગી હતી. કારખાનામાં લાકડું હોવાના કારણે જોતજોતામાં આગ આખા ટિમ્બર માર્ટમાં ફેલાઇ ગઇ હતી. આગના બનાવના કારણે વહેલી સવારે વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. સ્થાનિકો આગને બુઝવવા માટે દોડી આવ્યા હતા. જોકે વહેલી પરોઢે લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગડની ટીમે ઘટના સ્થળે પહોચી હતી.

લાકડાની લાટીમાં એટલી મોટી ભીષણ આગ લાગી હતી કે તેને બુઝવવા માટે ફાયરબ્રિગેડના 80 જવાનો કામે લાગ્યા હતા અને 23 ફાયર ફાઇટર અને ટેન્કરોનો ઉપયોગ કરવો પડ્યો હતો. 2 કલાકની ભારે જહેમત બાદ લાટીમાં લાગેલી આગ કંટ્રોલમાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગ લાગવા પાછળનું સાચું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે. આ મુદ્દે ફાયરચીફ ઓફિસર એમ.એફ.દસ્તૂરે જણાવ્યું છે કે લાકડાની લાટીમાં લાગેલી આગનું સાચું કારણ જાણવા મળ્યું નથી કારણ કે આખું કારખાનું ભસ્મીભૂત થઇ ગયું છે. આગના કારણે આજુબાજુનાં કારખાનાં કે દુકાનને કોઇ નુકસાન નથી પહોચ્યું. તો બીજી તરફ જે કારખાનામાં આગ લાગી છે તેમાં કોઇપણ ફાયરસેફ્ટીના સાઘન હતાં નહીં.

You might also like