તહેવારોમાં તસ્કરોની તડાફડીઃ પાંચ દિવસમાં પ૬ લાખની મતાની ચોરી

અમદાવાદ: દિવાળીના તહેવારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. તહેવારો દરમિયાન બંધ મકાનોને ટાર્ગેટ બનાવી લાખોની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. શહેરના ઇસનપુર, મણિનગર, રામોલ, ઓઢવ અને પાલડી વિસ્તારોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. પાંચ દિવસમાં તસ્કરો રૂ.પ૬ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા છે અને પોલીસનો કોઇ પણ એકશન પ્લાન ન હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ મણિનગર વિસ્તારમાં ગોરધનવાડી ચાર રસ્તા નજીક આવેલા નાથ હીરાનંદ ટાવરમાં તસ્કરો ત્રાટકી રૂ.બે લાખ રોકડા અને રૂ.૬ લાખના દાગીના મળી કુલ રૂ.૮.૩૦ લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજી તરફ ઓઢવ વિસ્તારમાં આવેલી તક્ષશીલા સોસાયટીમાં પણ તસ્કરો ત્રાટકી રૂ.૩.૪પ લાખના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ અંગે પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત રામોલના નિરાંત ચાર રસ્તા પાસે આવેલી મોતીબા હાઇસ્કૂલમાં પણ તસ્કરોએ ત્રાટકી રૂ.૬ર,૦૦૦ની મતાની ચોરી કરી હતી. જ્યારે વસ્ત્રાપુર વિસ્તારના વ્રજ ટાવર ખાતે પણ ભરબપોરે બે મકાનોમાં તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.૧.પ૯ લાખની મતાની ચોરી કરી હતી. ઇસનપુરની રાજેશ્વરી સોસાયટીમાં પણ બંધ મકાનમાંથી રૂ.૧.૬૧ લાખની મતાની ચોરી થઇ હતી.

દિવાળીના પર્વની શરૂઆત થતાં સાથે જ તસ્કરોએ તરખાટ મચાવવાનું શરૂ કરી દીધું હતું. તસ્કરોએ દિવાળીના તહેવારના પાંચ દિવસમાં કુલ રૂ.પ૬ લાખની મતાની ચોરી કરી પોતાની દિવાળી સુધારી દીધી હતી.

You might also like