૫૫ વર્ષના પુરુષની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં ગઇ કાલે બપોરે લોહીથી લથપથ હાલતમાં એક વ્યક્તિની લાશ ખારીકટ કેનાલમાંથી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથ‌િમક તપાસમાં વ્યક્તિના માથા પર બોથડ પદાર્થથી હુમલો કરીને તેને કેનાલમાં ફેંકી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વ્યક્તિની હત્યા થઇ છે કે પછી કેનાલમાં કૂદવાના કારણે માથાના ભાગે ઇજા પહોંચી છે તે જાણી શકાશે.
રામોલ પોલીસચોકી પાસે આવેલી કેનાલમાં એક ૫૫ વર્ષીય વ્યકિતની લાશ તરતી હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. પોલીસે ફાયરબ્રિગેડની ટીમની મદદથી લાશને કેનાલમાંથી બહાર કાઢીને તપાસ શરૂ કરી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર નરોડા કે તેની આસપાસની કેનાલમાં તે પડ્યો હોવાનું લાગી રહ્યું છે. પાણીનું વહેણ વધારે હોવાથી તેની લાશ તરતી તરતી રામોલ વિસ્તારમાં આવી હતી. હાલ તો અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વ્યકિત કોણ છે તે અંગે તપાસ શરૂ કરાઇ છે.

રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દવેએ જણાવ્યું છે કે ગઇ કાલે બપોરે એક વ્યકિતની કેનાલમાંથી લાશ મળી હતી. તેની એક આંગળી કપાયેલી હતી જ્યારે તેના ગળામાં ભગવાનનો દોરો હતો. લાશની ઝીણવટભરી રીતે સ્થળ તપાસ કરાતાં તેના માથાના ભાગમાં ત્રણ ઊંડા ઘાનાં નિશાન હતાં, જેથી પ્રાથ‌િમક તપાસમાં આધેડના માથાના ભાગે બોથડ પદાર્થથી હુમલો કરીને તેને કેનાલમાં ફેંકી દીધો હોવાનું લાગી રહ્યું છે. પોસ્ટમોર્ટમ ‌િરપોર્ટ બાદ આ હત્યા છે કે આત્મહત્યા તે જાણવા મળશે.

You might also like