વડાપ્રધાન મોદીને સાડા પાંચ લાખ મહિલાઓએ કાગળ લખ્યો

નવી દિલ્હી, ગુરુવાર
‌દિલ્હી મહિલા આયોગે સત્યાગ્રહ અને રેપ રોકો આંદોલનના સમર્થનમાં મહિલાઓને વડા પ્રધાનને પત્ર લખવાની અપીલ કરી હતી. ત્યારબાદ ૩પ દિવસમાં લગભગ પ,પપ,૦૦૦ પત્ર આવ્યા, જેમાં મહિલાઓએ નરેન્દ્ર મોદીને પોતાની પીડા જણાવતાં સખત કાયદો બનાવવા અપીલ કરી, જેથી મહિલાઓ અને બાળકો પ્રત્યે લોકોની નજર બદલી શકાય.

ગઇ કાલે બપોરે ૧ર-૦૦ વાગ્યે આયોગનાં અધ્યક્ષા સ્વા‌િત જયહિંદ ૬ ઓટો અને ૧૦ કારમાં આ પત્રો લઇને સભ્યો સાથે પીએમઓ જવા માટે નીકળી પડ્યાં. પોલીસે રસ્તામાં જ તેમને રોક્યાં અને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ. ત્યાંથી બપોરે ૩-૦૦ વાગ્યે તેમને વડા પ્રધાન કાર્યાલય લવાયાં, જ્યાં પીએમઓના અધિકારીએ તેમની માગણીઓનો પત્ર સ્વીકાર્યો.

એક પત્રમાં એક મહિલાએ લખ્યું હતું કે દિલ્હીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુનેેગારોને હવે કોઇ ડર રહ્યો નથી. આપણી ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને દેવીનું સ્થાન અપાયું છે તેમ છતાં મહિલાઓ શારીરિક અને મા‌નસિક અપરાધથી સતત પીડાઇ રહી છે તેમાંથી ઘણા કેસમાં તો તેઓ ફરિયાદ પણ કરી શકતી નથી. તેનું કારણ કાયદો વ્યવસ્થા પૂરતી નથી તે છે.

એક પત્રમાં લખ્યું હતું કે થોડા સમય પહેલાં અમે વડાપ્રધાનને રામ મંદિર નિર્માણના પક્ષમાં બોલતાં સાંભળ્યા હતા. અમારો અનુરોધ છે કે જો સીતા સુર‌િક્ષત નહીં રહે તો મંદિર બનાવવાનો શું મતલબ છે. હું ઉત્તમનગરમાં રહું છું. અહીં દર બે દિવસે મહિલાઓ સાથે ક્રાઇમની ઘટનાઓ બને છે.

એક પત્રમાં લખ્યું છે કે વડા પ્રધાન સર, હું તમને મારા ઘરની આસપાસના માહોલ અંગે જણાવવા ઇચ્છું છું. મારે બે પુત્રીઓ છે, જ્યારે તેઓ ઘરેથી નીકળે છે અને સાંજે પરત ફરતી નથી ત્યારે મનમાં ડર લાગે છે. હું પ્રાર્થના કરું છું કે તેઓ સહી-સલામત ઘરે પાછી ફરે. મારી દીકરીઓ મને ફરિયાદ કરે છે કે રસ્તામાં ચાલતાં ઘણી વાર બાઇકસવાર તેમના વિશે ગંદી વાતો બોલે છે. હું રાત્રે ૮-૦૦ વાગ્યે ઘરની બહાર હોઉંં તો મને ડર લાગે છે.

એક પત્રમાં લખ્યું છે કે આજે આપણે બેટી બચાવો અને બેટી પઢાઓ કે પછી દહેજ અથવા તેમના લાલનપાલનથી ડરતા નથી, પરંતુ આજે દીકરીઓની ઇજ્જતનો ડર છે. દિલ્હી મહિલા આયોગે ૩૧ જાન્યુઆરીએ બાળકીઓના રેપના આરોપીઓને સજા અપાવવા માટે સત્યાગ્રહ શરૂ કર્યો હતો તેમાં લોકોને પત્ર લખવાની અપીલ કરી હતી.

You might also like