નાઈજિરિયા: રાજધાની અબુજાના બજારમાં બે જૂથ વચ્ચેની હિંસામાં 55 લોકોનાં મોત

અબુજા: નાઈજિરિયાની રાજધાની અબુજાના એક બજારમાં ખ્રિસ્તી અને મુસ્લિમોના જૂથ વચ્ચે ભડકેલી હિંસામાં પપ લોકોનાં મોત થયાં છે. રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીએ આ હિંસાની જાણકારી આપી હતી. પ્રત્યદર્શીઓએ જણાવ્યું કે હૌસા મુસ્લિમો અને અદારા ખ્રિસ્તી યુવકો વચ્ચે હાથલારી લગાવવાના મુદ્દે ઝઘડો થયો હતો.

નાઈજિરિયાની રાજધાની અબુજાના મુખ્ય બજારમાં હિંસાના કારણે ગત ગુરુવારે પણ બે લોકોનાં મોત થયાં હતાં, પરંતુ એ વખતે પોલીસે સ્થિતિ પર કાબૂ કરી લીધો હતો. બાદમાં અદારા ખ્રિસ્તીઓએ હૌસા મુસ્લિમો પર હુમલો કર્યો હતો અને તેમના ઘર સળગાવી દીધા હતા.

રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ ઘટના અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

તેમણે જણાવ્યું કે કોઈ પણ ધર્મ કે સંસ્કૃતિ જીવનની પવિત્રતા માટે ઉપેક્ષાનું સમર્થન નથી કરતા. કોઈ પણ સમાજ ત્યારે જ પ્રગતિ કરે છે જ્યારે લોકો શાંતિથી રહે. હિંસા ક્યારેય પણ શાંતિનો વિકલ્પ બની શકે નહીં.

રાષ્ટ્રપતિએ બંને સમુદાયના નેતાઓને અપીલ કરી છે કે તેઓ મંત્રણા કરીને આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પણ નાઈજિરિયામાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં ૧૦ લોકોનાં મોત થયા હતા.

દરમિયાન તાઈવાનના યિલાનમાં એક ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ છે, જેના કારણે ૧૭ લોકોનાં મોત થયા છે અને ૧૩ર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. યિલાનના અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટા ભાગના લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. પુયુમા એક્સપ્રેસ ટ્રેનના આઠ ડબા પાટા પરથી ઊતરીને શિનમા સ્ટેશન નજીક વિખેરાઈ ગયા હતા.

You might also like