ટીબી સામેની લડાઈમાં અમદાવાદ હાંફ્યુંઃ એક વર્ષમાં ૫૩૪ મોત!

અમદાવાદ: મેગાસિટી અમદાવાદમાં ચેેપી અને ઘાતક રોગ ટીબીના કેસમાં વૃદ્ધિ થઇ છે. ગત વર્ષ ર૦૧૬માં શહેરમાં ટીબીના ૮,પ૬૬ કેસ નોંધાયા હતા, જેમાં દ‌િક્ષણ ઝોનની બહેરામપુરા વોર્ડ સૌથી વધુ ૩૮૩ કેસ સાથે અવલ રહ્યો હતો. જ્યારે પશ્ચિમ ઝોનના મોટા ગણાતા નવરંગપુરા વોર્ડમાં સૌથી ઓછા પપ કેસ મળી આવ્યા હતા. ટીબીથી પ૩૪ વ્યકિતઓ મરણને શરણ થઇ છે. અમદાવાદના મોટા ભાગના વોર્ડમાં ટીબીથી સરેરાશ પ થી ૮ દર્દીનાં મોત થયાં છે, જોકે આમાં આઘાતજનક બાબત એ છે કે કોર્પોરેશન સંચાલિત શહેરની એકમાત્ર ટીબી હોસ્પિટલને બંધ કરી દેવાઇ છે. દુનિયાના ટોચના દસ ઘાતક રોગોમાં ટીબીનો પણ સમાવેશ થાય છે એ બાબત અત્રે ઉલ્લેખનીય છે.

સ્લમ વિસ્તાર, ગંદકી, સમતોલ આહારનો અભાવ, કેન્સર, ડાયાબિટીસ, એઇડ્સ જેવા રોગથી ઓછી થતી રોગ પ્રતિકારકશકિત તેમજ બે વર્ષ જૂના ટીબીના બેેકટેરિયા પૂર્ણપણેે નાબૂદ ન થાય તેવા સંજોગોમાં વ્યકિત ટીબીનો શિકાર બને છે. બેકટેરિયાથી થતો ટીબી ચેપી રોગ હોઇ ઉધરસ કે છીંક મારફતે પણ ફેલાય છે. ખાસ કરીને ર૦થી ૪પ વય જૂથના લોકો ટીબીગ્રસ્ત થાય છે. સતત બે અઠવાડિયાથી ખાંસી આવતી હોય કે ગળફામાં લોહી પડે કે એકસ રેમાં ડાઘ દેખાય તો આ શંકાસ્પદ ટીબીનાં લક્ષણ છે.

હાલની અસંતુલિત જીવનશૈલી તેમજ અનહાઇજેનિક વાતાવરણથી પણ ટીબીનો રોગ ઘાતક બની રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ડોટ્સ પ્લસ કાર્યક્રમનો પાઇલટ પ્રોજેક્ટ કોર્પોરેશનમાં ગત તા.૧ માર્ચ, ર૦૦૭થી અમલમાં મુકાયો છે. અગાઉ દર્દીના ગળફાની તપાસ ચેન્નઇની લેબમાં કરાવવામાં આવતી હતી અને બે-ત્રણ મહિને લેબનો રિપોર્ટ આવતો હતો, જોકે હવે અસારવાની સિવિલ હોસ્પિટલ અને એલજી હોસ્પિટલમાં કાર્ટીઝ બેઝ ન્યુ‌િક્લક એસિડ એ‌િમ્પ્લફિકેશન ટેસ્ટ (સીબી નેટ) નામના અદ્યતન ટેસ્ટથી નિદાન કરવાથી બેથી ત્રણ કલાકમાં ટીબીનો રિપોર્ટ મળી જાય છે, જોકે ટીબીના દર્દીને ર૪થી ર૭ મહિનાની મફત સારવાર કોર્પોરેશન દ્વારા અપાય છે, અલબત્ત, અનેક કિસ્સામાં જે તે દર્દી ચાર-છ મહિનાની સારવાર લીધા બાદ તંત્રના ડોટ્સ સેન્ટરમાં વધુ સારવાર લેવાનું ટાળતા હોઇ આ ઘાતક રોગ કાબૂમાં આવતો નથી.

ખાનગી પ્રેક્ટિશનરને પણ નોટિફાઇડ દર્દીની વિગતોનો રિપોર્ટ દર મહિને કોર્પોરેશનમાં મોકલવાનો હોય છે તેમજ ટીબીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તેમ છતાં અમદાવાદમાં ઠેરઠેર દવાખાનાં ખોલીને બેઠેલા ખાનગી પ્રેક્ટિશનર પણ ટીબીની ગંભીરતા સમજતા ન હોઇ શહેરીજનોમાં ફેલાયેલો આ રોગ નિયંત્રણમાં આવવાના બદલે દિન-પ્રતિદિન વકરી રહ્યો છે.

દરમિયાન અમદાવાદ કોર્પોરેશનના ગયા વર્ષ ર૦૧૬ના ટીબી રોગના આંકડા ઝોનવાઇઝ તપાસતાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ર,૧પપ, દ‌િક્ષણ ઝોનમાં ૧,૬૮ર, નવા પશ્ચિમ ઝોનમાં ૧,૪૬૦, ઉત્તર ઝોનમાં ૧,૧૯પ, મધ્ય ઝોનમાં ૧,ર૭ર અને પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૮૦ર ટીબીના કેસ નોંધાયા છે. વોર્ડ દીઠ આંકડા જોતાં બહેરામપુરા બાદ શાહપુરમાં સૌથી વધુ ૩પ૩, બાપુનગરમાં ૩૪ર, લાંભામાં ૩૧પ અને વેજલપુરમાં ર૯૬ કેસ મળી આવ્યા છે. જોકે આ સઘળા કેસ મ્યુનિસિપલ હોસ્પિટલના છે. તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં નોંધાતા દર્દીઓનો સર્વે કરાતો નથી.

આ દરમિયાન તંત્રના સિટી ટીબી ઓફિસર ડો.સંકેત પટેલ કહે છે કે મોટા ભાગની ખાનગી હોસ્પિટલ કોર્પોરેશનના ડોટસ સેન્ટરમાંથી મફત સારવાર મળતી હોવાથી ટીબીના દર્દીને સારવાર માટે મોકલાવે છે. જ્યારે વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ જેવી મ્યુનિસિપલ હોસ્પિટલ તેમજ સોલા સિવિલમાં ટીબીના દર્દીઓ માટે સ્વતંત્ર ટીબી ચેસ્ટ વિભાગ હોઇ ટીબી હોસ્પિટલને બંધ કરી દેવાઇ છે.
http://sambhaavnews.com/

You might also like