વૈષ્ણોદેવી મંદિર પાસેનાં જંગલોમાં લાગેલી આગમાં ૫૦૦૦ લોકો ફસાયા

કટરા: જમ્મુ-કાશ્મીરના જાણીતા શકિતપીઠ માતા વૈષ્ણોદેવીના ત્રિકૂટા પર્વતનાં જંગલોમાં લાગેલી આગ વિકરાળ બનતાં પર્વત પર હજુ ૫૦૦૦ લોકો ફસાયા છે. હાલ આગના કારણે આ વિસ્તારમાં અવરજવર બંધ કરી દેવામાં આ‍વી છે તેમજ બંને તરફના ટ્રેકને પણ બંધ કરી દેવામાં આ‍વ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવારથી આ વિસ્તારમાં લાગેલી આગમાં કુલ ૨૦ હજાર લોકો ફસાઈ ગયા છે, જેમાં પર્વત પર ૫૦૦૦ લોકો ફસાયા છે. તેના કારણે હાલ આ વિસ્તારમાં લોકો તેમજ અન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

હાલ મંદિર પાસેના ભવનમાં પાંચ હજાર લોકો રોકાઈ ગયા છે ત્યારે આગના કારણે મંદિર તરફ જતો ૧૩ કિમીનો નવો ટ્રેક હજુ પણ બંધ જ રાખવામાં આવ્યો છે. જૂના રસ્તા પર ભીડ જમા ન થાય તે માટે આ નવો ટ્રેક બંધ રાખવામાં આવ્યો છે. પહેલાં બંને ટ્રેક બંધ કરાયા હતા પણ હવે જૂનો ટ્રેક ખોલી દેવામાં આવ્યો છે.

આ અંગે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર અહીં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં પોલીસના જણાવ્યા અનુસાર એરફોર્સનાં એમઆઈ-૧૭ હેલિકોપ્ટરને આગ બુઝાવવાના કામે લગાવવામાં આવ્યાં છે.

આ ઉપરાંત ફાયર ફાઈટરને પણ આગ ઓલવવાના કામમાં લગાવી દેવાયાં છે. હાલ રાત-દિવસ આ કામગીરી ચાલુ છે. આ વિસ્તારમં વધુ કોઈ જાનહાનિ ન થાય અને આગ આગળ ન વધે તે માટેના તંત્ર દ્વારા તમામ પ્રયાસ થઈ રહ્યા છે.

You might also like