ઉત્તર ઝોનમાં પાણી ખેંચવા વપરાતી ૫૦ ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરાઈ

અમદાવાદ: શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડવાની સાથે સાથે મ્યુનિસિપલ તંત્રના અઘોષિત ર૦ ટકા પાણી કાપથી ઠેર ઠેર પાણીની બૂમ ઊઠી રહી છે. અનેક વિસ્તારમાં લોકોને સવારના બે કલાકનો પાણીનો પુરવઠો પૂરતા પ્રેશરથી તો મળતો નથી, પરંતુ દૂષિત પાણીથી પણ લોકો ત્રાસી ઊઠયા છે.

આ માટે પાણીના ગેરકાયદે કનેકશન અને મોટર મૂકીને પાણી ખેંચનારાઓ મહદંશે જવાબદાર હોઇ ખુદ કમિશનર મૂકેશકુમારે આ મામલે લાલ આંખ કરીને તમામ ઝોનના ઇજનેર વિભાગને ગેરકાયદે પાણીનાં કનેકશન કાપવાનો તેમજ મોટર જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કમિશનરના આદેશનું આશ્ચર્યજનક રીતે કડકાઇથી પાલન થઇ રહ્યું નથી.

રૂ.૪પ૦ કરોડના રોડનાં કૌભાંડના મામલે રાજ્યભરમાં તંત્રનો ઇજનેર વિભાગ વિવાદાસ્પદ બનયો છે. હાઇકોર્ટ દ્વારા પણ ઇજનેર વિભાગની આકરા શબ્દોમાં ઝાટકણી કઢાઇ રહી છે. સત્તાવાળાઓએ ર૬ ઇજનેરને શોકોઝ નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે. કેમ કે ઇજનેર વિભાગના કેટલાક માથાભારે અધિકારીની સામે વધુ આકરાં પગલાં ભરતાં ખુદ સત્તાધીશો ગભરાટ અનુભવે છે.

હવે ઇજનેર વિભાગની ગેરકાયદે પાણીનાં કનેકશન અને મોટર મૂકીને પાણી ખેંચનારા લોકોની મોટર જપ્ત કરવાની નબળી કામગીરી વિવાદાસ્પદ બની છે. મહિના અગાઉ કમિશનર મૂકેશકુમારે ઉચ્ચ અધિકારીઓ સાથેની અઠવાડિક રિવ્યુ મિટિંગમાં નાગરિકોને પાણી કાપના દિવસોમાં વધુ હાડમારી ન ઉઠાવવી પડે તે માટે ગેરકાયદે પાણીનાં કનેકશને તત્કાળ કાપવાની અને મોટર જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કમિશનરના આદેશને ઘોળીને પી જવાયો હોય તેવું્ ચર્ચાઇ રહ્યું છે.

છેલ્લા બે દિવસમાં ઉત્તર ઝોનના ઇજનેર વિભાગ દ્વારા ઠકકરબાપાનગર વોર્ડ, ઇન્ડિયા કોલોની વોર્ડ, બાપુનગર વોર્ડ સરસપુર-રખિયાલ વોર્ડ, સૈજપુર વોર્ડ અને નરોડા વોર્ડમાં દરોડા પાડીને કુલ ૫૦ ગેરકાયદે પાણીનાં કનેકશન અને ૧૭ જેટલી મોટર જપ્ત કરાઇ હતી.

જોકે આ એક પ્રકારનું નાટક જ હતું. આજે પણ ઉત્તર ઝોનમાં ઠેર ઠેર ગેરકાયદે પાણીનાં કનેકશનની ભરમાર છે. મોટરિંગની પ્રવૃત્તિ પણ અટકી નથી. તેમાં પણ મધ્ય ઝોનમાં તો ઠેર ઠેર પાણીનાં ગેરકાયદે કનેકશન અને મોટરિંગનું દૂષણ છે, પરંતુ તંત્ર હજુ સુધી સક્રિય બન્યું નથી. ભાજપના શાસકો પણ તંત્ર પાસેથી કડકાઇથી કામ લેવામાં નિષ્ફળ નીવડયા છે.

You might also like