વડોદરાઃ દૂષિત પાણીનાં કારણે ફેલાયો ઝાડા-ઉલ્ટીનો વાવર, 4 વર્ષની બાળાનું મોત

વડોદરાઃ શહેરનાં નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીનાં કારણે લોકોને ઝાડા ઉલ્ટી થયાં હોવાંની એક ઘટના સામે આવી છે. ત્યારે હવે ઝાડા ઉલ્ટીનાં કારણે 4 વર્ષની બાળાનું મોત થયું છે. મહત્વનું છે કે, શહેરનાં નવાપુર, નવાયાર્ડ અને નવા યાર્ડ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા હોવાંથી ઘણાં બધાં લોકો પરેશાન પણ થયાં છે.

આ મામલે સ્થાનિકો દ્વારા ઘણી વખતે કોર્પોરેશનનાં અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેનાં કારણે હવે 25 જેટલાં લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

મહત્વનું છે કે વડોદરાનાં નવાપુરા વિસ્તારમાં દૂષિત પાણીનાં કારણે ઝાડા ઉલ્ટીનો વાવર વકરતાં બે લોકોનાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તો 50થી વધુ લોકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે પણ ખસેડવામાં આવ્યાં છે. નવાપુરા વિસ્તારમાં આવેલા કહાર મહોલ્લો અને ગોદડિયા વાસમાં છેલ્લાં 15 દિવસથી સતત દૂષિત પાણી આવી રહ્યું છે.

જેનાં કારણે સમગ્ર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીનો રોગચાળો વકર્યો છે. ઝાડા ઉલ્ટીની ઝપેટમાં 50થી વધુ લોકો આવ્યાં છે. જેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયાં છે. ઝાડા ઉલ્ટીથી કહાર મહોલ્લાની 4 વર્ષની નતાશા કહારનું મોત નિપજયું છે. જેનાં કારણે તેનાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મહત્વનું છે કે બાળકીનાં પરિવારજનો મોત માટે કોર્પોરેશન તંત્રને જવાબદાર ઠેરવી રહ્યાં છે.

બીજી તરફ ગોદડિયા વાસમાં 75 વર્ષના વૃદ્ધ શાન્તુભાઈનું પણ ઝાડા ઉલ્ટીનાં કારણે મોત નિપજ્યું હોવાનું પણ પરિવાર આક્ષેપ કરી રહ્યું છે. કોંગ્રેસ કોર્પોરેટરે આ સમગ્ર મામલે સ્થાનિકોએ અનેક વાર રજૂઆત કરી હોવા છતાં દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

જો કે વડોદરાનાં નવાપુરા વિસ્તારમાં રોગચાળો વકરતા આરોગ્યની ટીમો હવે દોડતી થઈ છે. આરોગ્યની ટીમોએ આ વિસ્તારમાં લોકોને દવાનું વિતરણ કર્યું. આ સાથે જ ઘરે ઘરે જઈને સર્વે પણ કર્યો તેમજ કોર્પોરેશનનાં આરોગ્ય અધિકારીએ ઝાડા ઉલ્ટીથી મોત થયાનાં કારણને નકારી કાઢીને પણ કોર્પોરેશનનો બચાવ કર્યો છે.

મહત્વની વાત છે કે 2 લોકોનાં મોત નિપજ્યાં બાદ પણ એક પણ કોર્પોરેશનનાં અધિકારી કે શાસકો આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યાં નથી. ત્યારે શું કોર્પોરેશન તંત્રને સ્થાનિક લોકોનાં જીવનની કોઈ જ કિંમત નથી તે અંગે પણ કેટલાંક સવાલો ઉઠી રહ્યાં છે.

You might also like