કન્હૈયાની જીભ કાપી લાવનારને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવાની જાહેરાત

બદાયુ: જેએનયુમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયા કુમારને જામીન મળ્યા બાદ તેણે પીએમ મોદી અને ભાજપ સામે નિશાન તાકીને પ્રહાર કર્યા હતા. કન્હૈયા કુમારના ભાષણથી ખફા ભાજપ યુવા મોરચાના એક નેતાએ કન્હૈયા કુમાર વિરુદ્ધ ઝેર ઓકતાં જણાવ્યું હતું કે કન્હૈયાની જીભ કાપી લાવનારને રૂ.પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.

બીજેવાયએમના બદાયુ જિલ્લા પ્રમુખ કુલદીપ વાર્ષ્ણેયે કન્હૈયાકુમાર સામે નારાજગી દર્શાવી છે. તેમણે એક વિચિત્ર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કન્હૈયા કુમારની જીભ કાપી લાવનારને હું રૂ.પાંચ લાખનું ઇનામ આપીશ. તેમણે જણાવ્યું હતું કે દેશ વિરોધી અને આતંકવાદી અફઝલ ગુરુના સમર્થનમાં સૂત્રો પોકાર્યા બાદ કન્હૈયા કુમાર હવે ગમે તેની સામે નિશાન તાકી રહ્યો છે.

છ મહિનાના શરતી વચગાળાના જામીન પર છૂટેલા કન્હૈયાએ તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ જેએનયુમાં એક જાહેર ભાષણ કર્યું હતું અને પાછળથી મીડિયા પર પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ દરમિયાન કન્હૈયાએ પીએમ મોદી, ભાજપ સરકાર, આરએસએસ અને એબીવીપીને નિશાન બનાવ્યા હતા.

You might also like