૪૮ કલાક બાદ પણ અમદાવાદના અપહૃત ડોકટરની કોઇ ભાળ નહીં

અમદાવાદ: અમદાવાદના પાલડીમાં રહેતા અને પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ડો.રાજેશ મહેતાનાં અપહરણને ૪૮ કલાક વીતિ ગયા હોવા છતાં પોલીસને તેઓની ભાળ મળી નથી. પાટણ-ડીસાની વચ્ચે ખસોડા ગામ નજીક તેઓની કારને આંતરી અન્ય કારમાં આવેલા શખ્સો તેઓને ઉઠાવી ગયા હતા.

પાલડીમાં જૈન કચ્છી ભવન ખાતે રહેતા ડો.રાજેશ મહેતા શુક્રવારે સાંજે પાટણ-ડીસા રોડ પર પોતાની કાર લઇને ડીસા તરફ જતા હતા ત્યારે ખસોડા ગામ નજીક કારમાં કેટલાક શખ્સો આવ્યા હતા અને કારને આંતરી તેઓનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ડોકટરે બુમાબુમ કરી હતી, પરંતુ અપહરણકર્તાઓ તેઓને કારમાં બળજબરીપૂર્વક બેસાડી ફરાર થઇ ગયા હતા.

બનાસકાંઠાના ડીવાયએસપી આર.બી. દવેએ જણાવ્યું હતું કે હાલમાં તમામ પાસાંઓ ઉપર તપાસ ચાલી રહી છે. બનાસકાંઠાની દસ ટીમ, એસઓજી, એલસીબી તેમજ પાટણની ટીમ પણ ડોકટર તથા અપહરણકર્તાઓની શોધખોળ કરી રહી છે. હાલમાં તેઓના મિત્રો, કોલેજ સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ સગાં-સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. રોડ પર તથા ટોલટેકસ બૂથ પર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

અપહરણનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બપોર સુધીમાં આરોપી તથા ડોકટર અંગે કોઇ કડી મળે તેવી પોલીસે આશંકા વ્યકત કરી છે.

You might also like