નશા માટે વપરાતી 46 લાખની કફ ‌સિરપ એનસીબીએ જપ્ત કરી

અમદાવાદ: આજનું યુવાધન નશાના રવાડે ચઢ્યું છે. નશાની ચીજવસ્તુઓ ના મળતાં વિવિધ પદ્ધતિ દ્વારા નશો કરવાની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં પ્રતિબંધિત દારૂ અને ડ્રગ્સ નહીં મળતાં હવે યુવાધને દવાની દુકાને આસાનીથી મળી જતી કફ સિરપ અને દવાઓથી નશો કરવા માટેનો રસ્તો અપનાવી લીધો છે.

એનસીબી (નાર્કો‌ટિક્સ કંટ્રોલ બ્યૂરો) અને એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ)ની ટીમે દવાની દુકાનોમાં આસાનીથી વેચાતી કફ સિરપનો જથ્થો અમદાવાદ, સાણંદ અને પાટણથી જપ્ત કર્યો છે. એનસીબીની ટીમે ૪૬ લાખ રૂપિયાની ૪૨ હજાર કફ સિરપની બોટલો જપ્ત કરી છે, જેમાં અફીણનું પ્રમાણ વધારે છે, જેનો યુવાધન નશા માટે ઉપયોગ કરે છે.

એનસીબી અને એફડીએને છેલ્લા બે દિવસમાં કફ સિરપનો મોટો જથ્થો અમદાવાદ, પાટણ અને સાણંદ જિલ્લામાં હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે બન્ને એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને અમદાવાદ અને પાટણથી ૪૬ લાખની ૪૨ હજાર કફ સિરપની બોટલ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.

You might also like