ગુલમહોર પાર્કમાં તોડફોડ અને આગચંપીને લઇને આતંક મચાવનાર ૪૫ની ધરપકડ

અમદાવાદ: ઇસ્કોન ચાર રસ્તા પાસે ગઈ કાલે સાંજે યોજાયેલી કેન્ડલ માર્ચ બાદ થલતેજના પીવીઅાર સિનેમા, હિમાલયા મોલ અને અાલ્ફાવન મોલની બહાર તોડફોડ અને અાગચંપીને લઈ પોલીસે હવે ધરપકડનો દોર શરૂ કર્યો છો. ગઈ કાલે રાત્રે સાડા નવ વાગ્યા સુધી થયેલી તોડફોડ મામલે અત્યાર સુધી પોલીસે ૪૫ જેટલા લોકોની ધરપકડ કરી હોવાનું સેક્ટર વન જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ ડો.કે.એલ.એન. રાવે જણાવ્યું હતું. પીવીઅાર સિનેમા, અાલ્ફાવન મોલ અને હિમાલયા મોલની બહારથી કેટલાક લોકોની પોલીસે અટકાયત કરી હતી.

થલતેજ અને વસ્ત્રાપુર વિસ્તારમાં અાવેલા મલ્ટિપ્લેક્સોમાં તોફાન મચાવનાર ટોળાને ઝડપવા ગઈ રાત્રે પોલીસે અનેક જગ્યાઅેથી કેટલાક લોકોને રાઉન્ડઅપ કર્યા હતા અને તેઅોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ ગઇ હતી. વસ્ત્રાપુર પોલીસે હાલમાં ૧૯ જેટલા લોકોની ધરપકડ કરી છે.

જ્યારે સેટેલાઇટ પોલીસે ૩૦ જેટલા લોકોની ધરપકડ કરી છે. મોલના સીસીટીવી ફૂટેજ, રોડ પરના સીસીટીવી ફૂટેજ તેમજ ઝડપાયેલા અારોપીઅોની પૂછપરછ કરી તેમની સાથે કોણ કોણ હતું તેની માહિતી મેળવી અને ધરપકડનાં ચક્રો ગતિમાન કરવામાં અાવ્યાં છે.ઝડપાયેલા કેટલાક અારોપીઅોની પોલીસે પૂછપરછ કરતાં મોટાભાગના સાણંદના રાજપૂત યુવકો લાકડીઅો, પથ્થર અને જ્વલનશીલ પદાર્થ લઈને અાવ્યા હતા અને તોડફોડ મચાવી હતી. પોલીસ ફરિયાદમાં સાણંદમાં તેમજ વીંછિયા ગામના કેટલાક યુવકોનાં નામ પણ અાપવામાં અાવ્યાં છે. જેના પગલે પોલીસે તેઅોની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.

ગઇ કાલે સાંજે રાજપૂત સમાજના આગેવાન સુરેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત વિદ્યાસભાના મંત્રી ઘનશ્યામસિંહ રહેવર સહિત ના આગેવાનો કેન્ડલ માર્ચની સેટેલાઇટ પોલીસ પાસે પરમિશન માગી હતી. આ તમામ આગેવાનો ગઇ કાલે સાંજે કેન્ડલ માર્ચ માટે ભેગા થયા હતા.

આશરે ૪૦૦ જેટલા લોકોનું ટોળું કેન્ડલ માર્ચ પૂરી કરી દેવાર્ક મોલ તરફ ધસી ગયું હતું અને દેવાર્ક મોલમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો જોકે હાજર પોલીસે તેઓને અટકાવ્યા હતા જેથી ટોળું ગુલમહોર પાર્ક મોલ તરફ ધસી ગયું હતું. હાજ ટોળાએ ગુલમહોર પાર્કમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.

ગુલમહોર પાર્કમાં તોડફોડ કર્યા બાદ પદ્માવત ફિલ્મ દેખાડવા દઇશું નહીં તેમજ સિનેમાઘરોને સળગાવી દઇશું તેવા સૂત્રોચ્ચાર કરતું ટોળું કે સેરાસેરા મલ્ટિપ્લેક્સ તરફ ધસી ગયું હતું. કે સેરાસેરાની બુકિંગ ઓફિસમાં પણ ટોળાએ તોડફોડ કરી આતંક મચાવીને પીવીઆર સિનેમા તરફ ગયું હતું.

સેટેલાઇટ પોલીસે કેન્ડલ માર્ચનું આયોજન કરનાર રાજપૂત સમાજના આગેવાનો સહિત ૩૦ લોકોની ધરપકડ કરી છે અને બાકીનાને ઝડપવા તજવીજ હાથ ધરી છે અને કેન્ડલ માર્ચમાં આવીને તોડફોડ કરનાર યુવકો વિરુદ્ધ ગુનો નોંધી ૧૧૦ જેટલા વાહનોને પોલીસે ડિટેઇન કર્યા છે.

You might also like