લિબિયામાં અમેરિકન હુમલામાં ISના ૪૧ આતંકીઓનો ખાતમો

ત્રિપોલી: અમેરિકાના ફાઇટર વિમાનોએ લિબિયામાં આતંકી સંગઠન આઇએસઆઇએસના અડ્ડાઓ પર હુમલો કરતાં ઓછામાં ઓછા ૪૧ આતંકીઓનો ખામતો બોલી ગયો છે. આ હુમલો સબરખા શહેરમાં કરાયો હતો. શહેરના મેયર હુસેન અલ થવાદીએ આ હુમલાને સમર્થન આપ્યું હતું. અમેરિકી ફાઇટર વિમાનોએ આઇએસઆઇએસના જે અડ્ડાઓ પર હુમલા કર્યા છે તે લોકેશન ટયુનિશિયાની બોર્ડરથી ૭૦ કિ.મી. દૂર છે.

અહેવાલો અનુસાર અમેરિકન દળોને એવી બાતમી મળી હતી કે આ સ્થળે આઇએસઆઇએસના આતંકીઓ એકત્ર થયા છે. અમેરિકન સિકયોરિટી ‌અધિકારીઓએ પણ અા હુમલાને સમર્થન આપ્યું છે. મૃતકોમાં મોટા ભાગના ટયુનિશિયાના નાગરિકો છે, જેઓ આતંકી સંગઠન આઇએસઆઇએસના સભ્ય હતા.

ન્યુયોર્ક ટાઇમ્સે એક વેસ્ટર્ન સિકયોરિટી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ગત વર્ષે પણ ટયુનિશિયામાં બે મોટા આતંકી હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં આઇએસનો ઓપરેટિવ નોરુદદ્દીન ચોચેન માર્યો ગયો છે કે નહીં તે અંગે ગુપ્તચર અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ગઇ સાલ ટયુનિશિયામાં થયેલા બે મોટા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ નોરુદદ્દીન હતો. ગઇ સાલ જુલાઇ સુજે શહેરના એક બીચ રિસોર્ટ પર થયેલા આ હુમલામાં ૩૮ પ્રવાસીઓ માર્યા ગયા હતા. જેમાં ૩૦ બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત માર્ચમાં ટયુનિશ શહેરમાં નેશનલ બારડો મ્યુઝિયમ ખાતે થયેલા હુમલામાં ર૧ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ બંને હુમલાની જવાબદારી આઇએસએ સ્વીકારી હતી.

You might also like