OMG: કોમોડો દ્વીપથી એક મહિનામાં ૪૧ ડ્રેગનની ચોરી

(એજન્સી)જાકાર્તા: કોમોડો આઈલેન્ડ જાન્યુઆરી-૨૦૨૦થી આખું વર્ષ બંધ રહેશે. આ દ્વીપ કોમોડો ડ્રેગનના રહેવા માટે વિશ્વભરમાં ફેમસ છે. સૂત્રોનું કહેવું છે કે અહીંથી એક મહિનામાં ૪૧ ડ્રેગનની ચોરી થઈ છે, આ કારણે તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે અહીં લગભગ ૫,૦૦૦ ડ્રેગન બચ્યા છે, તેના બંધ રહેવા દરમિયાન એવી કોશિશ કરાશે કે તેની સંખ્યા વધી શકે.

કોમોડો ડ્રેગન દુનિયાની સૌથી મોટી ગરોળી છે. પહેલી વાર પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એક સૈનિકે તેને જોઈ હતી. સૈનિક તેને જોતાં જ બેભાન થઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં એક કોમોડોની કિંમત લગભગ ૨૪ લાખ રૂપિયા છે. કોમોડો નેશનલપાર્ક ટૂરિસ્ટની પસંદગીની જગ્યા છે.

૨૦૧૮માં ૧૦,૨૫૦ ટૂરિસ્ટ દર મહિને અહીં ફરવા માટે આવ્યા હતા, તેમાંથી ૯૫ ટકા વિદેશી હતા. કોમોડો ઉપરાંત અહીં ગરોડી, પડાર, રિન્સા અને ૨૬ નાની પ્રજાતિઓ પણ રહેલી છે. જાન્યુઆરી-૨૦૨૦થી માત્ર કોમોડો આઈલેન્ડને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન યુનેસ્કોની યાદીમાં સામેલ અન્ય પાર્ક ખુલ્લા રહેશે. અત્યાર સુધી પાર્કમાં આવનાર ટૂરિસ્ટ માટે કોઈ ગાઈડલાઈન બનાવાઈ નથી. હવે સરકાર તેની સંખ્યા ૫,૦૦૦ પ્રતિમહિના સુધી સી‌િમત કરવા ઈચ્છે છે. ગયા વર્ષે કોઈ ટૂરિસ્ટની સિગારેટથી આગ લગાવવાના કારણે પાર્કની ૧૦ હેક્ટર જમીનને નુકસાન પહોંચ્યું હતું.

You might also like