વીજળીનાં બિલમાં ૪૦,૦૦૦ કરોડની બચતનો કેન્દ્રનો લક્ષ્યાંક

મુંબઈ : એલઈડી બલ્બના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સીએફએલ સોલર લાઈટિંગ સિસ્ટમને સબસિડી આપવાનું બંધ કરવાનો નિર્ણય ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રીએ લીધો છે. સરકાર ડોમેસ્ટિક એફિશિયન્ટલાઈટિંગ પ્રોગ્રામ (ડીઈએલપી) હેઠળ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ દ્વારા ૩.૨૭ કરોડ એલઈડી બલ્બ્સનું વિતરણ કરી ચુકી છે. કેન્દ્ર સરકાર એલઈડી બલ્બ્સનું વિતરણ કરીને વર્ષેદહાડે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના વીજળી બિલમાં બચત કરવાનો લક્ષ્યાંક રાખી રહી છે.
સરકાર સંચાલિત એનર્જી એફિશિયન્સી સર્વિસિસ લિમિટેડ (ઈઈએસએલ), ડીઈએલપી સ્કીમ હેઠળ વિતરણ માટે એલઈડી બલ્બ્સ ખરીદી રહી છે. ગયા જૂન મહિનામા એક બલ્બના ૭૩ રૂપિયાની કિંમતે બલ્બ્સ ખરીદયા હતા. અગાઉ ૨૦૧૪ના ફેબ્રુઆરી મહિનામાં એક બલ્બની ૩૧૦ રૂપિયાની કિંમતે ખરીદી કરવામા આવી હતી. એ રીતે ભાવમાં ૭૫ ટકાનો ઘટાડો થયો હતો.
તાજેતરમાં ઊર્જા, કોલસા તેમ જ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી વિભાગનાં પ્રધાન પિયુષ ગોયલે સ્પર્ધાત્મક બિડીંગ પ્રોસેસ વડે ઈઈએસએલ દ્વારા એલઈડીની ખરીદીની કિંમત ઘટાડીને ૪૪ રૂપિયા સુધી લાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. નિષ્ણાંતોના મત પ્રમાણે સીએફએલની સરખામણીમાં એલઈડીના ઘણા લાભો છે. એ પર્યાવરણને અનુકુળ હોવા ઉપરાંત ખૂબ ટકાઉ છે. વળી સીએફએલ બલ્બમાં મકર્યુરી હોવાથી એનો નિકાલ કરવો અઘરો બને છે.
ડીઈએલપી સ્કીમ હેઠળ વેચવામાં આવેલા ૭૭ કરોડ ઈન્કન્ડિસન્ટ (જલદી ગરમ થઈ જતા) બલ્બ્સની જગ્યાએ એલઈડી બલ્બ્સ ગોઠવવાનો સરકારનો ઈરાદો છે. એના પરિણામે ૨૦,૦૦૦ મેગાવોટ વીજળી અને ૧૦૫ અબજ કિલોવોટ ઊર્જા અને ૮૦૦ લાખ ટન ગ્રીન હાઉસ ગેસની બચત થશે. એ ઉપરાંત દર વર્ષે કિલોવોટ દીઠ સરેરાશ ચાર રૂપિયાના દરે ઈલેકિટ્રસિટી બિલ્સમાં પણ બચત થશે.

You might also like