૪૦૦ વર્ષ જૂનું નવરંગપુરા અંબાજી મંદિર

મા અંબા જગતજનની છે. તેમની ઉપાસના કરવાથી જગતના તમામ દિવ અપાર સુખ પામે છે.તો આવો આપણે અમદાવાદમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના નવરંગપુરાના અંબાજી મંદિર વિશે જોઇએ. શહેરના હાર્દસમા આશ્રમરોડ ઉપર રેલવે ફાટક નજીક નવરંગપુરાનું અંબાજી મંદિર આવેલ છે. આ મંદિર લગભગ ૪૦૦ વર્ષ જૂનું છે. આ સ્થળે વરસો પહેલાં એક નાનકડી દેરી હતી. જે શહેરના વિકાસ સાથે આજે અદ્યતન સ્વરૂપે બહુ સુંદર બન્યું છે. આ મંદિરના નૂતન નિર્માણ પાછળનો ઇતિહાસ કાંઇક આવો છે. વર્ષ ૧૯૮૦માં અહીં રહેતા એક વૃદ્ધ બહેન માતાજીનાં પરમ ભક્ત હતાં.

તેમને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે, “હાલ મારી જ્યાં નાનકડી દેરી છે ત્યાં એક મોટું મંદિર બનાવો.” આ વાત બીજા દિવસે આ બહેને દેરીનાં નિત્ય દર્શને આવતાં નટુભાઇ પટેલને કરી.  આ વાત નટુભાઇને ગમી જતાં તેમણે તથા બીજા તેમના ૨૦ મિત્રોએ વ્યક્તિદીઠ રૂ. ૫૦૦ કાઢી નૂતન મંદિર બનાવવાનું શરૂ કર્યું. માનું નવું મંદિર બનવાનું શરૂ થયું. એટલે આપોઆપ આર્થિક મદદ મળતી થઇ ને હાલનું મંદિર નિર્માણ પામ્યું. આ નૂતન મંદિરમાં મા અંબાજીની સુંદર મૂર્તિની પ્રતિષ્ઠા ખાસ જયપુરથી લાવીને સ્થાપિત કરાવાઇ છે. જે લગભગ ચારેક ફૂટની છે.

મંદિરના બહારના ભાગમાં જમણી બાજુ તથા ડાબી બાજુ હનુમાનજી મહારાજની સુંદર મૂર્તિ સ્થાપિત કરાઇ છે. આ મંદિરમાં ઊડીને આંખે વળગે તેવી એક વિશેષતા એ છે કે માનાં મંદિરની સામે જ મંદિર પરિસરમાં ટ્રસ્ટી ઓફિસની બાજુમાં સરસ ગબ્બર બનાવવામાં આવ્યો છે. જે ગબ્બર જોતાં જ મોટાં અંબાજી મંદિરના ગબ્બરની યાદ આવ્યા વગર રહેતી નથી. આ ગબ્બર પર ચડતાં જ સૌપ્રથમ ષષ્ઠિમાતા (વિધાતા માતાની મૂર્તિ) છે. આ માતાજીની જો કોઇ નિઃસંતાન બાધા રાખે તો તેને ત્યાં અવશ્ય બાળક થાય છે. આ પ્રકારની મૂર્તિ આખા ગુજરાતમાં ફક્ત બે સ્થળે છે. એક ખેડબ્રહ્મા તથા બીજી મૂર્તિ અહીંના ગબ્બરમાં પ્રસ્થાપિત છે. ગબ્બરમાં ગૌમુખ, ફવારો વગેરે બહુ નયનરમ્ય છે.

ગબ્બરની બાજુમાં આવેલી દીવાલ પાસે અારસપહાણની દીવાલ બનાવડાવી ત્યાં શંકર ભગવાનની બહુ સુંદર મૂર્તિ સ્થાપિત કરાવાઇ છે. તો મંદિરની જમણી બાજુના ચોકમાં ગાયત્રી માતા, મહાલક્ષ્મી માતા, કાળભૈરવ દાદા તથા સાંઇબાબાની મૂર્તિ છે. જ્યાં બેઠા પછી આપણને ઊભા થવાનું મન નથી થતું. આ મંદિરમાં હાલ મિરરપોલિશ થઇ રહી છે. ઉપરોક્ત ચારેય મૂર્તિ લગભગ બે ફૂટની છે.

અહીંના મંદિરના પ્રાંગણમાં વર્ષમાં ત્રણ વખત નવચંડી યજ્ઞ થાય છે. ચૈત્રી નવરાત્રિની આઠમે, આસોની શારદીય આઠમે તથા મહા સુદ અગિયારશ કે જે મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ છે તે. આ ત્રણ દિવસ નવચંડી યજ્ઞ અહીં થાય છે. વળી બેસતા વર્ષે આ મંદિરમાં ભવ્ય અન્નકૂટ ભરાય છે, જેનો માના ભાવિક ભક્તો લાભ લે છે. આ મંદિર તરફથી મંદિરમાં આવતું અનાજ ગરીબોને મફત વહેંચવામાં આવે છે. •

You might also like