રિવરફ્રન્ટનાં ૪૦ જેટલાં મંદિર બે દાયકાથી જીર્ણોદ્ધારની રાહમાં

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ સત્તાવાળાઓએ સાબરમતી નદીના સુભાષબ્રિજથી વાસણા બેરેજ સુધીના ૧૧.પ૦ કિલોમીટર બંને તરફના કાંઠાનો કરોડાે રૂપિયાના ખર્ચે વિકાસ કર્યો છે. હવે છેક ઇન્દિરાબ્રિજ સુધી રિવરફ્રન્ટ લંબાવાશે. વિવિધ પ્રકારના પ્રોજેકટ દ્વારા નાગરિકોને નદી કિનારે આનંદ પ્રમોદ અને મનોરંજનનાં સાધનો પૂરાં પાડવા તંત્ર દ્વારા એક પ્રકારે મ્યુનિસિપલ તિજોરી ખોલી દેવાઇ છે.

કમનસીબે રિવરફ્રન્ટનાં ધાર્મિક સ્થાનો તરફ સત્તાધીશો ઉપેક્ષા દાખવી રહ્યા છે છેક વર્ષ ૧૯૯૭થી શહેરમાં રિવરફ્રન્ટ પ્રોજેકટ ગાજી રહ્યો છે. તેમ છતાં આજે બે બે દાયકા વીતિ ગયા બાદ પણ આ ધાર્મિક સ્થાનોની જીર્ણોદ્ધારની પ્રતીક્ષાનો અંત આવ્યો નથી. આગામી બજેટમાં રિવરફ્રન્ટ પર હેરિટેજ ગાર્ડન બનાવવાની જાહેરાત કરનાર તંત્ર ધાર્મિક સ્થાનોનાં હેરિટેજ મામલે કેમ હજુ સુધી કંુભકર્ણ નિદ્રામાં છે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

૬૦૦થી વધુ વર્ષ જૂના અમદાવાદ શહેરને તાજેતરમાં યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ પ્રાપ્ત થયું છે. દિલ્હી, મુંબઇ જેવાં શહેરો સ્પર્ધામાં હોવા છતાં અમદાવાદે પોતાની પોળ સંસ્કૃતિ તેમજ ધાર્મિક વિરાસતના આધારે હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. શાસક ભાજપ પક્ષ દ્વારા પણ શહેરમાં વિદેશી પર્યટકોની સાથે દેશના પર્યટકો વધશે તેવી આશામાં હેરિટેજને લગતા વિવિધ પ્રોજેકટ કાં તો અમલમાં મુકાયા છે અથવા તો અમલમાં મુકાઇ રહ્યા છે.

જેમાં રિવરફ્રન્ટ પર હેરિટેજ ગાર્ડન, પાલડીના સંસ્કાર કેન્દ્ર ખાતે વર્લ્ડ હેરિટેજ સિટી મ્યુઝિયમ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ શહેરની ધાર્મિક ઓળખ સમાન રિવરફ્રન્ટ પરનાં ઐતિહાસિક મહત્વ ધરાવતા ધાર્મિક સ્થાનોના વિકાસ અંગે શાસકો હજી સુધી ગંભીર બન્યા નથી. રિવરફ્રન્ટના પૂર્વ કિનારે ૩૦ મંદિર અને પશ્ચિમ કિનારે ૧૦ મંદિર મળી કુલ ૪૦ મંદિર સહિત પ૦ ધાર્મિક સ્થાન આવ્યાં છે. આ સઘળાં ધાર્મિક સ્થાનોનો તાકીદે જિણોદ્ધાર કરવો એ સમયની માગ છે.

પરંતુ શાસક ભાજપ પક્ષે આ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવાને બદલે રિવરફ્રન્ટની બાઉન્ડ્રીને નામે કપાત મૂકીને શ્રદ્ધાળુનો રોષ વહોરી લીધો છે. ખરેખર તો આ કાપતને દૂર કરીને આ ધાર્મિક સ્થળોને નયનરમ્ય બનાવવા જોઇએ.

આમ કરવાથી દેશના પર્યટકો રિવરફ્રન્ટ પર અમદાવાદની આ ઐતિહાસિક ધરોહર નિહારીને વશીભૂત થશે. રિવરફ્રન્ટ પરનાં સઘળાં ધાર્મિક સ્થાને રેગ્યુલરરાઇઝ કરવાની નીતિ ઘડવાની સમયાંતરે માગણી ઉઠતી આવી છે, તેમ છતાં, આશ્ચર્યજનક રીતે શાસકોએ આ મામલે હજી સુધી કોઇ નિર્ણય લીધો નથી.

બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા દ્વારા આગામી સામાન્ય બજેટ પરના પક્ષના સુધારામાં રિવરફ્રન્ટના બંને કાંઠા પરના ૪૦ મંદિરના વિકાસ માટે રૂપિયા ર૦ કરોડની ફાળવણી કરાઇ છે. જો કે આ ફાળવણીથી કોંગ્રેસમાં જ વિરોધના સૂર ઊઠીને ભારે કકળાટ સર્જાયો છે. મ્યુનિસિપલ કોગ્રેસના એક અગ્રણી કોર્પોરેટરે ફકત મંદિરના વિકાસ માટેની ફાળવણી સામે રોષ વ્યક્ત કરીને અન્ય ધાર્મિક સ્થાનોનાં વિકાસનો પણ મુદ્દો ઉઠાવ્યો છે.

રિવરફ્રન્ટના પૂર્વ કિનારે આવેલાં મંદિર
■ જટાધારી મહાદેવ મંદિર
■ ભીમનાથ મંદિર
■ નારણઘાટ
■ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર
■ જોગણી માતાનું મંદિર
■ ભૈરવનાથ મંદિર
■ સ્મશાનની મેલડી માતાજીનું મંદિર
■ મહાદેવ મંદિર
■ ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર
■ હનુમાન મંદિર
■ અંબા માતાનું મંદિર
■ રામજી મંદિર
■ અન્નપૂર્ણા માતાનું મંદિર
■ મહાલક્ષ્મી માતાનું મંદિર
■ પંચનાથ મહાદેવ- શિવશક્તિ મંદિર
■ હરિ વિષ્ણુ મંદિર
■ રામજી-હનુમાનજી મંદિર
■ સચ્ચિદાનંદ મંદિર
■ જોગણી માતાનું મંદિર
■ ગોગાજીનું મંદિર
■ માતાજીનું મંદિર (ગુજરી બજાર પાસે)
■ સોમ ભૂદરનો આરો
■ મેલડી માતાનું નાનું મંદિર
■ ચાર નાનાં મંદિર

‌રિવરફ્રન્ટને પશ્ચિમ કિનારે આવેલાં મંદિર
■ સ્વામી હરિહરાનંદ આશ્રમ
■ મહાકાળી માતાનું મંદિર
■ રાધા વલ્લભ સદન મંદિર
■ પ્રણવાનંદ વિદ્યા મંદિર
■ તેરાપંથી સેવા મંદિર
■ બૃહદ ગુજરાત પરિષદ
■ રામદેવ પીર મંદિર
■ સિદ્ધ રુદ્રેશ્વર મહાદેવ મંદિર
■ બાલા હનુમાન મંદિર
■ દશામાનું મંદિર

You might also like