પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. સમગ્ર દેશ શહીદ જવાનોને નમન કરી રહ્યો છે અને આતંકીઓને જલદી જવાબ આપવામાં આવે તેવું દરેક નાગરિક ઈચ્છી રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી એક એક પ્રધાન કે પ્રતિનિધિ દરેક શહીદ જવાનની અંતિમ વિધિમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રાતે પાલમ એરપોર્ટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શહીદોના પરિવારોને દેશભરમાંથી મદદ અને આશ્વાસન મળી રહ્યાં છે.

પુલવામા આત્મઘાતી હુમલા અંગે જાણકારી આપવા માટે કેન્દ્ર સરકારે આજે એક સર્વદલિય બેઠક બોલાવી છે. આ બેઠક ગૃહપ્રધાન રાજનાથસિંહે બોલાવી છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, તમામ પક્ષોને પુલવામામાં થયેલા હુમલા અને સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી આપવામાં આવશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી પ્રધાનમંડળની સુરક્ષા બાબતોની સમિતિની બેઠકમાં સર્વદલિય બેઠક બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે સવારે ૧૧ વાગ્યાથી આ બેઠક સંસદની લાઈબ્રેરી ખાતે મળશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે. આ બેઠકમાં સરકાર આગામી રણનીતિ પણ જાહેર કરી શકે છે. આ અગાઉ આતંકી હુમલા બાદ કોઈ સર્વદલિય બેઠક સપ્ટેમ્બર, ૨૦૧૬માં મળી હતી. એ બેઠક એલઓસી પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈક પહેલાં મળી હતી. જોકે ત્યારે એ બેઠકમાં વિપક્ષી દળોનો અભિપ્રાય લેવામાં આવ્યો ન હતો, પણ તેમને ફક્ત આગામી પગલાં શું હશે તેની જાણકારી જ આપવામાં આવી હતી.

આત્મઘાતી હુમલામાં વપરાયેલા વિસ્ફોટક અંગે સુરક્ષા દળોનાં સૂત્રોએ જણાવ્યું કે, ૮૦ કિલો હાઈગ્રેડનો આરડીએક્સ બ્લાસ્ટમાં વપરાયો હતો. સૂત્રોએ દાવો કર્યો છે કે, હુર્રિયત નેતાઓની સુરક્ષા પાછી ખેંચવાના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. કાલે વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોને બદલો લેવાની પૂરી છૂટ આપી દેવામાં આવી છે. સુરક્ષા દળો હવે હુમલાનો સમય, સ્થાન અને સ્વરૂપ નક્કી કરશે.

દરમિયાન પુલવામા હુમલા કેસમાં સાત શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આત્મઘાતી હુમલાના ષડયંત્રમાં સંડોવાયેલા હોવાની શંકા હેઠળ આ યુવકોને પુલવામા અને અવંતીપુરા ખાતેથી ઝડપ્યા છે. સુરક્ષા દળોનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર, પુલવામા હુમલાની યોજના પાકિસ્તાની નાગરિક કામરાને બનાવી હતી, જે જૈશ-એ-મોહમ્મદનો આતંકી છે. હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં છ મહિના પહેલાં આતંકી સંગઠન જૈશના હેડક્વાર્ટરમાં રચવામાં આવ્યું હતું. જેની પાછળ ત્રણ મુખ્ય માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહર, રાશિદ ગાઝી અને આદિલ હતા.

You might also like